Monday, January 3, 2011

સિર્ફ અલ્લાહ સે બેટા નહીં માંગા કરતે!

હું જ્યાં નોકરી માટે જોડાયો એ ગામમાં મુસલમાનોની વસ્તી બહુમતીમાં હતી. ગામમાં કોમી એખાલસ સારા પ્રમાણમાં હતો. એક દિવસ હું સવારની ઓ.પી.ડી.માં બેઠો હતો ત્યાં રસુલમિયાં આવ્યા. સાથે એમની બીબી હતી. બીબીએ કાળો બુરખો ધારણ કરેલો હતો, તો પણ ઉપસેલું પેટ અંદરની હકીકતનું બયાન કરી આપતું હતું. જો કંઇ બાકી હતું, તો એ રસુલમિયાંએ પૂરું કરી આપ્યું, ‘સલામ, દાક્તર સા’બ! યે મેરી બીવી હૈ. વો પેટ સે હૈ. આઠવા મહિના પૂરા હો ગયા હૈ. સુવાવડ યહીં પે કરવાને કી હૈ. નામ લિખ લો....’
રસુલમિયાં બેઠી દડીના, ભારે શરીરના, સરેરાશ મુસ્લિમ બિરાદર હતા. એમની મોટી લાલ આંખો છેક કાન સુધી લંબાતી હતી ને કાળી ભમ્મર દાઢી છાતી સુધી લટકતી હતી. ટૂંકો પાયજામો અને લાંબો ઝભ્ભો બંને મેલા દાટ હતા.

મેં એમની પત્નીને તપાસી લીધી. ડિલિવરી માટે નામ ‘રજિસ્ટર’ કર્યું. જરૂરી દવાઓ અને સૂચનાઓ આપી અને પછી લાડુ ઉપર ખસખસ ભભરાવતો હોઉં એટલી માત્રામાં ઠપકો આપ્યો, ‘રસુલભાઇ, તમારી બીબીની સુવાવડ થવાનો સમય બહુ દૂર નથી હવે. તમે આટલા મોડા શા માટે આવ્યા? જો ગર્ભાવસ્થાની શરૂઆતથી આવી ગયા હોત તો હું એમનું વધારે ધ્યાન રાખી શક્યો હોત. અત્યારે તો એમનું બ્લડ પ્રેશર વધારે છે, હિમોગ્લોબિન ખૂબ ઓછું છે અને અંદરના બાળકનો વિકાસ પણ સમયના પ્રમાણમાં ઓછો છે.’

‘ક્યા કરું, સા’બ! મૈં તો કંટાલ ગયા હૂં. યે મેરી બીવી કી ચૌથી સુવાવડ હૈ. ઇસસે પહલે તીનોં બાર લડકી પૈદા હુઇ હૈ. જબ વોહ છોકરા પૈદા કરતી નહીં, તો ફિર ઉસકા ઇલાજ ક્યા કરવાના? આપ અપને હિસાબ સે ઉસકા ખયાલ રખના, બાકી ઉપરવાલા માલિક હૈ. જો હોગા વો દેખા જાયેગા.’

હું સમજી ગયો કે રસુલમિયાં સદીઓથી ચાલી આવતી પરંપરાગત ભારતીય પુરુષની માનસિકતાનો શિકાર બનેલો જીવ હતો. અત્યારે આવી વાત થોડીક આઘાતજનક લાગે, પણ આજથી પચીસ-ત્રીસ વર્ષ પહેલાંનો સમય જુદો હતો. ‘બેટી બચાવો’ની નારાબાજી કે ‘દીકરી વધાવો’ની પવિત્ર માન્યતા હજુ ત્યારે અસ્તિત્વમાં આવી ન હતી. દરેક સ્ત્રી જ્યારથી ગર્ભાવસ્થા ધારણ કરે ત્યારથી એનો પતિ અને પૂરો સમાજ પુત્રજન્મની જ આશ લગાવીને બેઠો હોય. મને ખાતરી થઇ ગઇ કે આ કુલસુમબીબી જ્યાં સુધી બેટાને જન્મ નહીં આપે ત્યાં સુધી દર વરસે સુવાવડ માટે આવતી જ રહેશે અને એની શારીરિક હાલત ઉત્તરોત્તર વધુને વધુ કમજોર પડતી જશે.

‘રસુલભાઇ, તમે શું કામ કરો છો?’ મેં વાત-વાતમાં પૂછી લીધું, ‘અરે, આપકો માલૂમ નહીં? ઇસ ઇસ્પિતાલ કે સામને હી તો મેરી બેકરી હૈ!’‘શું વાત કરો છો! એ બેકરી તમારી છે? રોજ સવારે મારા નાસ્તા માટેની બ્રેડ ત્યાંથી તો આવે છે.’‘વો હી તો! ઉપર પાટિયા ભી મારેલા હૈ, સા’બ! રસુલ બેકરી નામ રખ્ખા હૈ....’

બધું બરાબર બેસી ગયું મારા મનમાં. રસુલમિયાંની સામાજિક અને આર્થિક સ્થિતિનો સંપૂર્ણ ચિતાર સ્પષ્ટ થઈ ગયો. એ માણસ ગરીબ ન હતો. એ નાનકડા શહેરમાં એની એકલાની જ બેકરી હતી. આખો દિવસ ઘરાકી ધમધમતી રહેતી હતી. એના ગંદા કપડાં એના ધંધાને આભારી હતા, ગરીબીને કારણે ન હતા. માણસ બીજી બધી વાતે સારો લાગતો હતો, માત્ર દીકરો જન્મતો ન હતો એના કારણે એ કુલસુમની તબિયત પ્રત્યે બેદરકારી બતાવતો હતો એ વાત મને ગમી નહીં.

સમયને જતા ક્યાં વાર લાગે છે! અને બાળકને આવતા ક્યાં વાર લાગે છે! એક બપોરે રસુલમિયાં આવી ગયા, ‘સા’બ’ મેરી ઔરત કો લે કર આયા હૂં. દરદ ચાલુ હો ગયેલા હૈ. દેખો, ઇસ બાર ફિર સે છોકરી કુ મત આને દેના....’‘એ કંઇ મારા હાથમાં થોડું છે? દીકરો જન્મશે કે દીકરી એ તો ભાગ્યની વાત છે.’ મેં સાવચેતીપૂર્વક પાણી પહેલાં પાળ બાંધવા માંડી. રસુલ તો બીબીને અમારા ભરોસે મૂકીને પાછો બેકરી પર ચાલ્યો ગયો.

કુલસુમનું દરદ ઝડપથી વધતું ગયું. ચોથી સુવાવડ હતી એટલે બહુ વાર લાગી નહીં. નમતી બપોરે ચારેક વાગ્યે એણે ચોથા સંતાનને જન્મ આપ્યો.એ ભયભીત બની ગઇ હતી. બાળકના રડવાનો અવાજ સાંભળીને એણે ત્રસ્ત આંખે મારી સામે જોયું, ‘સા’બ, ઇસ બાર ક્યા હૈ?’‘રડીશ નહીં, બેન! આ વખતે અલ્લામિયાંએ તારી મુરાદ પૂરી કરી આપી છે. આ વખતે દીકરો જન્મ્યો છે.’

મારી વાત સાંભળીને કુલસુમે એનાં ઈશ્વરનો આભાર માન્યો. કદાચ એ અભણ સ્ત્રીને ખુદને દીકરા માટેની એવી મોટી જીદ નહીં પણ હોય, પરંતુ ઉપરા-છાપરી સુવાવડોમાંથી છુટકારો મળ્યાની રાહત હશે જેના કારણે એવી હાલતમાં એટલે કે મળ-મૂત્ર-લોહીના ગંદવાડમાં સૂતેલી હોવા છતાં એ બાઇએ પોતાનાં બંને હાથ ઉપર ઉઠાવીને ધ્રુજતા અવાજે ‘યા અલ્લાહ! યા પરવરદિગાર! તેરા લાખ લાખ શુક્રિયા!’ એવાં આભારસૂચક શબ્દો કહ્યાં હશે.

નવજાત દીકરો નબળો હતો, સહેજ ચિંતા કરવી પડે એટલો બધો નબળો. મેં વોર્ડબોયને દોડાવ્યો બેકરી તરફ. રસુલમિયાં પવનની પગથાર ઉપર પગ મૂકીને દોડી આવ્યા, ‘બહોત બહોત શુક્રિયા, દાગતર સા’બ! ઇસ બાર મૈં આપકા હાથ રૂપયોં સે ભર દૂંગા! આપને મુઝે બેટા દૈ દિયા!’

‘ધીરા પડો, રસુલમિયાં! પહેલી વાત એ કે હું તમારા પૈસાને હાથ પણ ન લગાડી શકું, કારણ કે હું અહીં નોકરી કરું છું. મને પગાર મળે છે. અને બીજી વાત આ દીકરો મેં નથી આપ્યો, તમારા તકદીરે તમને દીધો છે. અને ત્રીજી વાત ધ્યાનથી સાંભળો, તમારો દીકરો ખૂબ જ ઓછા વજન સાથે જન્મ્યો છે. હવાનો સ્પર્શ થતાંની સાથે જ એ ભૂરો પડી ગયો છે. આપણે ત્યાં ઇન્કયુબેટર પણ નથી અને પિડિયાટ્રિશિયન પણ નથી. તમારે દીકરાને લઇને તાબડતોબ બાજુના શહેરમાં જવું પડશે. ખર્ચો સારો એવો થશે અને બાળક સો ટકા બચી જશે એવી કોઇ જ ગેરંટી નથી... જો તમારી તૈયારી હોય તો...’

રસુલે બેકરીનું શટર પાડી દીધું. એક ગાડી ભાડે કરી લીધી. મેં નવજાત માંસના લોચાને રૂના પોલમાં લપેટીને કપડામાં વીંટાળી દીધું. શહેરના પિડિયાટ્રિશિયન ઉપર પત્ર લખી આપ્યો. બાર દિવસ અને બાર રાતના સતત ઉજાગરા વેઠ્યા પછી રસુલમિયાં પાછા ફર્યા.‘સા’બ, બેટા બચ ગયા! ખર્ચા બહોત હો ગયા. મેરા તો ખૂન-પાની એક હો ગયા, લેકિન લડકા બચ ગયા.

યે ભી તો દેખને કી બાત હૈ, સા’બ! વો તીન પથરે ચાર-ચાર કિલો વજન કે પૈદા હુએ થે, ઔર યે બેટા પૈદા હુઆ તો કમ વજનવાલા! ખુદા ભી અજીબ કા ખેલ ખેલતા હૈ! જો ચીજ કામ કી હો વો બડી મેહનત કૈ બાદ દેતા હૈ, જો ચીજ નિકમ્મી હો, વો બડી આસાની સે ભેજ દેતા હૈ!’રસુમિયાંની આંખોમાં પુત્રજન્મની ખુશીની સાથે-સાથે ત્રણ-ત્રણ પુત્રીઓ પ્રત્યેની નફરત સાફ ઝલકી રહી હતી.

***વાત રહી ગઇ, વરસો વહી ગયાં. હમણાં અચાનક એ દિશામાં જવાનું થયું. જે શહેરમાં મારું વક્તવ્ય હતું ત્યાં જવાનો રસ્તો એ ગામમાંથી પસાર થતો હતો. મારી હોસ્પિટલના જુના કર્મચારીઓને મળવા માટે મેં ગાડીને એ તરફ લીધી. ઝાંપાની સામે બેકરી હતી, પણ પાટિયું બદલાઇ ગયું હતું. રસુલ બેકરીની જગ્યાએ ગુલશન બેકરી વંચાતું હતું. મેં કોઇને પૂછ્યું, ‘અહીં તો રસુલમિયાં બેસતા હતા ને?’

જવાબ મળ્યો, ‘એની વાત પૂછવા જેવી નથી, સાહેબ! ત્રણ દીકરીઓ હતી ત્યાં સુધી એ જીવ સુખી હતો, દીકરાએ એનો જન્મારો બગાડી દીધો. ’‘કેમ? શું થયું?’‘દીકરો વધુ પડતા લાડકોડને કારણે વંઠી ગયો. જુગાર રમતાં ઝઘડી પડ્યો. સામેવાળાને છરી મારી બેઠો. અત્યારે જેલમાં છે. વકીલના ખર્ચામાં બેકરી અને ઘર બધું વેચાઇ ગયું. રસુલમિયાં આઘાતથી પાગલ બની ગયા. એટલું વળી સારું છે કે માલિકે ત્રણ ત્રણ દીકરીઓ આપી છે. જમાઇઓ પણ સારા મળ્યા છે. વારાફરતી ચાર ચાર મહિના...’ મારાથી ત્યાં વધુ સમય માટે ઊભા ન રહી શકાયું. એક નિ:સાસો નાખીને હું સરકી ગયો.

No comments:

Post a Comment