Monday, January 3, 2011

લાગણી કોમળ હતી, ‘આતશ,’ છતાં કચડી ગયાં!

રાજકોટના જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડો.. અમિતા ભટ્ટ એમના નિયત સમયે તૈયાર થઇને નર્સિંગ હોમમાં પહોંચ્યાં. દિવસભરના કરવા માટેના કામોની યાદી એમનાં મનમાં તૈયાર પડી હતી. ત્રણ દર્દીઓને રજા આપવાની હતી, પાંચને ‘એડમિટ’ કરવાના હતા. રોજની જેમ સવાર-સાંજનો આઉટ ડોર પતાવવાનો હતો. ઇન્ડોર પેશન્ટનો રાઉન્ડ લેવાનો હતો. એ ઉપરાંત ઇમર્જન્સી આવી ચડે એની તો ગણતરી જ કરવી અશક્ય હતી.

કન્સલ્ટિંગ રૂમમાં બેસીને એમણે નર્સને બોલાવી, ‘સિસ્ટર, આ રહ્યાં ત્રણ પેશન્ટ્સના બિલો! જે દર્દીનાં સગાં પૈસા ભરવા માગતા હોય એમનું બિલ લઇને જવા દેજે! જેમને પૈસા ઓછા કરાવવા હોય એમને મારી પાસે મોકલી આપજે. મને લાગે છે કે પેલી જનરલ વોર્ડમાં ત્રણ નંબરના કોટ ઉપર સૂતી છે તેની આર્થિક હાલત કદાચ સારી નથી લાગતી. એનાં પતિને કે’જે ચિંતા ન કરે. હું વાજબી બિલનું પણ વાજબી કરી આપીશ.’

નર્સે આંચકો આપતી હોય એ રીતે સમાચાર આપ્યાં, ‘મેડમ! તમે પેલી વીણાના બિલની વાત કરો છો? એ તો જતી રહી!’‘હેં? ક્યારે? એક પૈસોય ચૂકવ્યા વગર ચાલી ગઇ? અને કોઇએ એને રોકી પણ નહીં?’ ડો.. અમિતાબહેનનાં મોંઢામાંથી હાયકારો નીકળી ગયો.

‘સોરી, મેડમ! હું ડ્યુટી ઉપર આવી એ પહેલાં જ એ લોકો ચાલ્યા ગયાં. વહેલી સવારે નર્સિંગ હોમનો સ્ટાફ ઊંઘમાં હોય એનો લાભ લઇને રવાના થઇ ગયા. પણ તમે ચિંતા ન કરશો, કેસપેપરમાં દર્દીનું સરનામું કે ફોન નંબર તો લખેલા હશે ને! આપણે રમેશને મોકલીને ઊઘરાણી....’ નર્સે ઉપાય બતાવ્યો, પણ ડો.. અમિતાબહેને મામલાને ત્યાં જ દફનાવી દીધો. એમની પ્રેક્ટિસના એ શરૂઆતના વરસો હતા. દર્દીઓના પૂરા સરનામાં મેળવી લેવાનો રિવાજ એમણે હજુ શરૂ કર્યો ન હતો અને વીણા સાવ ગરીબ ન હતી, તો એટલી પૈસાદાર પણ ન હતી કે એનાં ઘરમાં ટેલિફોનની સુવિધા હોય.

બસો-પાંચસો રૂપિયાનો સવાલ હોય તો હજુયે પરવડે, આ તો મસમોટી રકમની છેતરપિંડી હતી. ડો.. અમિતાબહેન બે હાથ લમણા ઉપર મૂકીને વિષાદમાં સરી પડ્યાં. વીણાનો જીવ બચાવવા માટે ઊઠાવેલી જહેમત એમની નજર સામેના અદ્રશ્ય ‘સ્ક્રીન’ ઉપર જાણે ચલચિત્રની પટ્ટીની જેમ પસાર થવા લાગી!

વીણા ગરીબ વિસ્તારમાં રહેતી હતી. એક રાત્રે અચાનક એને લઇને એનો પતિ ડો.. અમિતાબહેનના નર્સિંગ હોમમાં પહોંચી ગયો. પૂરા મહિના હતા. પ્રસૂતિનું દર્દ હજુ સાવ પ્રારંભિક તબક્કામાં હતું પણ મુખ્ય તકલીફ હેમરેજની હતી. વીણાને રક્તસ્રાવ થતો હતો. સામાન્ય રીતે જો આ દર્દીએ ડોક્ટરને ત્યાં નામ નોંધણી કરાવેલી ન હોય તો કોઇ પણ ગાયનેકોલોજિસ્ટ આવો જોખમી ‘કેસ’ હાથમાં લેવાની તૈયારી દર્શાવે નહીં. પણ ડો.. અમિતા ભટ્ટે આ પડકાર ઝીલી લેવાનું નક્કી કરી લીધું. એ બતાવી આપવા માગતા હતા કે પોતે તમામ પ્રકારની ‘ઇમર્જન્સી’માં સારવાર આપી શકવા જેટલા કુશળ અને સમર્થ છે. અહીંથી તેમનાં ખરાબ નસીબની શરૂઆત થઇ. આવા કેસમાં સિઝેરિઅન કરવું આવશ્યક નહીં, પણ ફરજિયાત હોય છે.

વીણાનું સિઝેરિઅન કરવું પડ્યું. એ પછી કુદરતી, વિજ્ઞાન દ્વારા સ્વીકૃત એવી એક પછી એક કોમ્પ્લિકેશનની શૃંખલા રચાઇ ગઇ. વીણાને પ્રસૂતિ પછીનો રક્તસ્રાવ ચાલુ થયો. એની સારવાર માટે જરૂરી ઇન્જેકશનો ઉપરાંત રક્તદાનની જરૂર પડી. સદ્ભાગ્યે ડો.. અમિતાબહેનનાં પતિ ડો.. જયપ્રકાશ ભટ્ટ પોતે સારા પેથોલોજિસ્ટ છે, એટલે લોહીનો જથ્થો મેળવવો સુલભ બની રહ્યો. આટલું માંડ પતે ત્યાં વીણાને ડી.આઇ.સી. નામની સ્થિતિ ઉત્પન્ન થઇ ગઇ. આ એવું કોમ્પ્લિકેશન છે જેનું નામ સાંભળતાં જ અમદાવાદ કે મુંબઇ જેવા મહાનગરોના અનુભવી ડોક્ટરો પણ એક વાર તો થથરી ઊઠે!

વીણાનાં શરીરની નસોમાં વહેતા રક્તપ્રવાહે એની ગંઠાઇ જવાની ક્ષમતા ગુમાવી દીધી. મતલબ કે એક વાર શરૂ થયેલો રક્તસ્રાવ ક્યારેય બંધ થાય જ નહીં. શરીરની આંતરિક રક્તસંચારની પરિસ્થિતિ પણ ખોરવાઇ જાય. આ બધી જટિલ તબીબી ઘટનાઓનું શાબ્દિક વર્ણન કરવા જેવું નથી.

ડો.. અમિતા ભટ્ટ કોઇ અગમ્ય ઈશ્ચરપ્રેરિત ઝનૂનથી દોરવાઇને વીણાની સારવાર કરતાં રહ્યાં. એ સમયે તો બધી જ દવાઓ અને તમામ ઇન્જેકશનો પોતાનાં ‘સ્ટોક’માંથી કાઢી આપ્યા. આખી રાત આ મહાભારતથીયે મોટા જંગમાં પસાર થઇ ગઇ. સવારના સૂરજનું પહેલું કિરણ વીણાના શુભ સમાચાર લઇને આવ્યું. એ પછીના સાત દિવસ પણ ડોક્ટર માટે સાવધાની અને ચિંતાભર્યા વીત્યા.

જે દિવસે વીણાને હોસ્પિટલમાંથી રજા આપવાની હતી એની આગલી રાત્રે ડો.. અમિતાએ ભગવાનની મૂર્તિ સામે ઊભા રહીને મનની વાત રજૂ કરી, ‘હે ઇશ્ચર! વીણા બચી ગઇ એ બદલ તારો આભાર! જો હું મારી મહેનતનું પૂરેપૂરું વળતર લેવા બેસું તો બિલની રકમ ખૂબ મોટી થઇ જશે. પણ હું એવું નહીં કરું. એનું બિલ બનાવતી વખતે હું મારા પરસેવા તરફ જોવાને બદલે વીણાનાં ઘરની આર્થિક હાલત તરફ નજર રાખીશ. એને કોઇ પણ જાતની ફરિયાદ કરવાનો મોકો નહીં આપું!’

ફરિયાદ કરવાનો મોકો વીણાએ જ આપી દીધો. ડોક્ટરને એક પૈસો પણ આપ્યા વગર, આભારના બે શબ્દો કહ્યા વગર એ નગુણી બાઇ નાસી ગઇ. ઊંચા વ્યાજની બેન્ક લોન લઇને નર્સિંગ હોમ શરૂ કરનાર નવોદિત ડોક્ટરના હૃદય ઉપર આઘાત અને છેતરપિંડીનો આવો હથોડો વીંઝાય ત્યારે એની કેવી હાલત થતી હોય છે એ માત્ર અમે ડોક્ટરો જ જાણીએ છીએ.

ડો.. અમિતાબે’ન બીજું તો શું કરી શકે? એમણે પોતાનાં પૈસા, પરિશ્રમ અને પ્રયત્નોના ત્રિવેણી મૃત્યુ ઉપર આંસુ, અફસોસ અને આશ્ચાસનનો ખરખરો આયોજીને વીણા નામનું પ્રકરણ બંધ કરી લીધું. આજે એ ઘટનાને દાયકાઓ થઇ ગયા છે. ડો.. અમિતા ભટ્ટ હવે રાજકોટનું એક જાણીતું નામ બની ગયાં છે. હવે તેઓ દરેક પેશન્ટનું પાક્કું સરનામું અને ટેલિફોન નંબર ચીવટપૂર્વક પૂછીને ચોપડામાં નોંધી લે છે. કોઇપણ મોટું ઓપરેશન કરતાં પહેલાં ચોક્કસ રકમ આગોતરા જમા કરાવી લે છે. અનુભવ ખરાબ હોય એમાં કશું ખોટું નથી હોતું, પણ ખરાબ અનુભવમાંથી બોધપાઠ ન લેવો એ બહુ ખોટું હોય છે.

આ ઘટનાના દસેક વર્ષ પછી વીણા એક સંતની મુલાકાતે જઇ ચડી. સંત કોઇ ઢોંગી બાબા ન હતા, પણ સાત્વિક ઇશ્ચરભક્ત હતા. વીણાનાં મોં પરની મૂંઝવણ જોઇને એમણે પૂછ્યું, ‘શી તકલીફ છે, બેટા?’‘બાપજી, હું દુખિયારી બાઇ છું. મારે સંતાન નથી.’બાબાએ આંખો ઝીણી કરી, ‘અસત્ય બોલવું એ પાપ છે.’

વીણા રડી પડી, ‘બાપજી, સંતાન નથી થયાં એવું નથી, પણ મારું પહેલું બાળક જન્મીને મરી ગયું. એ પછી જે દીકરો થયો તે મંદબુદ્ધિનો પાકયો. એ પછી બે વાર કસુવાવડ થઇ ગઇ અને હવે કૂખ ઊજડી ગઇ છે. કોઇ ડોક્ટરની દવા કામ કરતી નથી.’

બાબા આંખો બંધ કરીને બેસી ગયા. થોડી વાર પછી એમણે વીણાને બે સવાલો પૂછયા, ‘બેટી! તારી પહેલી સુવાવડ જે ડોક્ટરના હાથે થઇ હતી એની પાસે તું શા માટે નથી જતી?’ અને પછી નજરથી વીંધી નાખે તે રીતે જોઇ રહ્યા, ‘જીવનમાં કોઇ નિર્દોષ માણસનો હક્કનો રૂપિયો તેં ઓળવ્યો તો નથી ને?’ વીણા રડતી રડતી સંતના ચરણોમાં લાકડી બનીને ઢળી પડી.

***

સંતે વીણાને જે અંતરના ભેદ કહી આપ્યો એને દૈવી ચમત્કાર માની બેસવાની જરૂર નથી. સંતો દુનિયાદારીના જાણતલ હોય છે અને એમની પાસે આવતા સંસારીઓના મનોભાવો આસાનીથી વાંચી શકતા હોય છે. ખરી ઘટના તો એ પછીના દિવસે બની. વીણા ડો.. અમીતાબે’નના દવાખાને જઇ પહોંચી.

‘બહેન, મારો કેસ કાઢો! મારે બાળક નથી રહેતું. તમે સારવાર કરો!’ વીણાએ પોતાનું નામ લખાવ્યું, સરનામું લખાવ્યું, ડો.. અમિતાબે’ન તો પણ એને ઓળખી ન શક્યાં. આટલા બધાં વરસ પછી વીણાની ઘટના ક્યાંથી યાદ હોય! ઘટના કદાચેય યાદ આવે, પણ ચહેરો તો ન જ આવે ને!

વીણાએ જ ધીમે રહીને વાત કાઢી, ‘બે’ન, મારું પહેલું ઓપરેશન તમારા હાથે થયું હતું અને હું પૈસા દીધા વગર જતી રહી હતી.’ ‘ઓહ્! એ તું હતી? તેં એવું શા માટે કર્યું હતું? જો પૈસા ન હતા, તો મને વાત તો કરવી હતી!’

‘માફ કરજો, બે’ન! વાંક અમારો જ હતો. અમને કો’કે એવું કહ્યું હતું કે તમે મારો જીવ બચાવવા માટે આટલી બધી મહેનત કરેલી એટલે બિલ પણ ખૂબ મોટું બનશે. અમે કોઇની વાતમાં આવી ગયા. પણ ભગવાને અમને સજા આપી દીધી, બે’ન ! મને માફ કરો...ને... તમારા જેટલા રૂપિયા લેણા નીકળતા હોય તે....’

‘ગાંડી! તારા આ આંસુઓએ મારું બિલ ચૂકવી દીધું છે. તારા જેવા અસંખ્ય ગરીબ દર્દીઓના બિલ મેં માફ કર્યા હશે, બદલામાં વિધાતાએ મને ભોગવી ન શકાય એટલું સુખ પણ આપ્યું જ છે. ચાલ, હવે રડવાનું બંધ કર, નહીંતર તને તપાસવાની ફી જ એટલી બધી માગીશ કે તું ફરી પાછી ભાગી જઇશ.’ બે સ્ત્રીઓનાં નિર્દોષ હાસ્યથી વાતાવરણ ગૂંજી ઊઠ્યું.- (શીર્ષક પંક્તિ: આતશ ભારતીય)

No comments:

Post a Comment