Monday, January 3, 2011

રંજ ઇસકા નહીં કિ હમ ટૂટે,યે તો અચ્છા હુઆ, ભરમ ટૂટે

 
ધારણા બેઠી થઇ ગઇ, ‘ના, સર! મારે એવું કંઇ નથી કરવું. જો પોલીસ કેસ થશે તો છાપાંમાં નામ આવશે. મને તો જન્મટીપ લાગી જશે. એના કરતાં મને જવા દો! જો તમારા દિલમાં મારા માટે જરાક પણ દયા જેવું હોય તો ટેબ્લેટ અને મલમ જેવું કંઇક લખી આપો’

જુની હિન્દી ફિલ્મનું એક ગીત હતું: દિવાલી ફિર આ ગઇ સજની. આ પંક્તિમાં જેટલું મહત્વ ‘દિવાલી’નું છે એના કરતાં વધુ ‘ફિર’ શબ્દનું છે. ફરી પાછી આવી ગઇ દિવાળી! આનો સંબંધ ભૂતકાળની કોઇ એકાદ દિવાળીમાં બની ગયેલા યાદગાર પ્રસંગ સાથે હોઇ શકે.મારા માટે આવો સંદર્ભ નવરાત્રિ સાથેનો છે. જ્યારે પણ હવામાં નવલખ દીવડાનો પ્રકાશ ઝગમગી ઊઠે છે, કાનોમાં તાળીઓનો તાલ અને ઢોલનો ધબકાર ગુંજવા માંડે છે, ત્યારે અચૂક મારી સ્મૃતિમાં વિતેલા સમયની એક ચોક્કસ નવરાત્રિ ઝબૂકી ઉઠે છે.

આશરે પચ્ચીસ-ત્રીસ વર્ષ પહેલાંની ઘટના. નવરાત્રિનો તહેવાર સોળે કળાએ ખીલી ઊઠ્યો હતો. શરૂઆતના ચાર-પાંચ નોરતાની મંથર ગતિ પૂરી થયા બાદ છઠ્ઠા-સાતમા નોરતાએ ટોપ ગિયરમાં દોડવાનું શરૂ કરી દીધું હતું. એ સમયે આજની જેમ અગિયાર કે બાર વચ્ચે લાઉડ સ્પીકર બંધ કરી દેવાનો આદેશ અમલમાં આવ્યો ન હતો. ખરા ગરબા જ છેક બાર વાગ્યા પછી શરૂ થતા હતા. ખેલૈયાઓ છેક વહેલી સવાર સુધી ભક્તિના નામ પર અને શક્તિના ધામ પર જુવાનીનો ખેલ ખેલતાં રહેતા હતા. જાત જાતના કારણોથી થાકીને ચૂર થઇ ગયેલી હસીનાઓ મિશ્રિત પસીનાઓથી તરબતર થઇને પોતાના મમ્મી-પપ્પા ગાઢ નીંદરમાં પોઢી ગયા હોય ત્યારે ડુપ્લિકેટ ચાવીથી બારણું ખોલીને ચૂપચાપ ઘરોમાં દાખલ થઇ જતી હતી.

સમાજના જાગૃત લોકો પ્રિન્ટ અને ઇલેકટ્રોનિક મીડિયામાં યોજાતી ચર્ચાસભાઓમાં બખાળા કાઢતા રહેતા હોય કે આ ભાન ભૂલેલા યૌવાનને કોઇ ટોકો, રોકો અને ન માને તો ઠોકો! હવામાં દોર વિનાના પતંગ જેવા તારણો ઘૂમરાતા રહેતા હતા કે નવરાત્રિ પછીના દિવસોમાં ખાનગી ગાયનેક નર્સિંગહોમમાં એબોર્શન માટે આવતી કુંવારિકાઓનો ધસારો ધરખમ પ્રમાણમાં વધી જાય છે. મારા કાન સુધી તો આવી બધી વાતો આવતી રહેતી હતી પણ મારી આંખોને હજુ સુધી આવું દ્રશ્ય જોવા મળ્યું ન હતું.

એ રાત કતલની રાત હતી. લગભગ અઢી વાગવા આવ્યા હતા. હું એક સિઝેરિઅન કરીને લગભગ એકાદ કલાક પહેલાં જ પથારીમાં પડ્યો હતો. એ દિવસોમાં હું જરૂર પડ્યે ઘરે જવાને બદલે રાત્રે નર્સિંગ હોમમાં જ સૂઇ જતો હતો. આ માટે એક અલાયદા રૂમની સગવડ રાખેલી હતી.

મારી આંખો મળી ગઇ હતી. ત્યાં જ કાન જાગી ગયા. ઉપરા છાપરી ચીસો પાડતી ડોરબેલ અને બારણાં પર વરસતી હાથ-પગની ઝડી! હું આંખો ચોળતો બહાર નીકળું ત્યાં સુધીમાં સ્ટાફ સિસ્ટરે બારણાં ખોલી નાખ્યા હતા. એક્સાથે સાતેક જુવાનિયાઓ એક ખૂબસુરત યુવતીને લગભગ ઊંચકીને અંદરની તરફ ધસી આવ્યા હતા.

આ જગ્યાએ જો હું એ છોકરીના સૌંદર્યનું વર્ણન કરવા બેસું તો એ અનુચિત ગણાય પણ એટલું અવશ્ય કહીશ એ યુવતીનું દેહસૌષ્ઠવ વર્ણનાતીત હતું. મહાકવિ કાલિદાસે જગદંબા પાર્વતીના રૂપનું વર્ણન કર્યું જ છે. અને આ યુવતી પણ જગદંબાની આધુનિક આવૃત્તિ સમી દેખાઇ રહી હતી. મહામૂલા ચણિયાચોળીમાં એનો ગોરો દેહ દીપી ઊઠ્યો હતો. છુટા વાળમાં લટે લટે મોતી પરોવેલા હતા. ડોકમાં અને હાથમાં ઓક્સિડાઇઝડ આભૂષણો એને એથનિક બ્યુટી અર્પી રહ્યાં હતાં.

આંખોમાં કાજળ, કપાળમાં ચાંલ્લો અને હોઠો પર લાલી, આટલાથી જો જોનારાને ધરવ ન થતો હોય તો ગુલાબી ચિબૂક ઉપર લીલી કલર સ્ટિકથી ચીતરેલું સુંદર મજાનું છુંદણું!પણ એની હાલત ખરાબ હતી. એ અર્ધબેહોશ જેવી હતી. પેટ ઉપર હાથ મૂકીને થોડી થોડી વારે પીડાની મારી ચીસો પાડી રહી હતી. મેં એને તપાસવાના ટેબલ ઉપર સૂવડાવી. પહેલું કામ કેસ પેપર કાઢવાનું કર્યું. એની સાથે આવેલા ખેલૈયાઓની ટોળીને પૂછ્યું, ‘નામ લખાવો.’

એક સાથે બે ત્રણ નામો હવામાં ફેંકાયા. મેં જરાક કડક અવાજમાં પૂછ્યું, ‘સાચું નામ લખાવો! પૂરું નામ! અને સરનામું પણ...!’સત્તે પે સત્તા જેવા સાતેય જણાએ આંખોના ઇશારા કરી લીધા. પછી જવાબ આપવાની જવાબદારી એક જ જણા ઉપર ઢોળી દીધી. પેલાએ માહિતી આપવા માંડી, ‘નામ લખો, ધારણા.’ પછી છોકરીના પિતાનું નામ અત્યારે જ પાડતો હોય એવી રીતે બોલી ગયો: ‘ધારણા ધનસુખભાઈ શાહ.’

‘ઘરનું સરનામું ?’

‘‘અં... અં... અં... લખોને.. ભક્ત પ્રહલાદ સોસાયટી, મકાન નંબર... સાત....’ એ બોલતો ગયો ને હું ટપકાવતો ગયો. મારી છઢ્ઢી ઇન્દ્રિય મને સાફ કહી રહી હતી કે આ મવાલી એક એક શબ્દ જુઠ્ઠો લખાવી રહ્યો છે. પણ હું ડોક્ટર છું, ડિટેક્ટિવ નહીં! દલીલો કરવાનું મારું કામ પણ ન હતું અને એવો સમય પણ ન હતો.

‘ઠીક છે, હવે જણાવો કે ધારણાને શી તકલીફ છે?’

‘અમને ખબર નથી, સર! અમારું આખું ગ્રૂપ છે. અમે ગરબા રમતા હતા. અચાનક ધારણાને પેટમાં દુખાવો ઉપડ્યો અને એને ચક્કર આવવા માંડ્યા. એ બેભાન જેવી થઇને ઢળી પડી. અમે એને ઉઠાવીને અહીં લઇ આવ્યા.’ મેગ્નિફિસન્ટ સેવનનો સરદાર બોલતો રહ્યો. હું પારખી શકતો હતો કે આ બધું બનાવટી હતું.

મેં નર્સને સાથે રાખીને ધારણાનું ચેક અપ શરૂ કર્યું. પડદો પાડી દીધો. એની પલ્સ બહુ મંદ ગતિએ ધબકી રહી હતી. બ્લડ પ્રેશર માંડ સિત્તેર બાય પચાસ જેવું હતું. એની જીભ ફિક્કી અને સૂક્કી પડી ગઇ હતી. જેવો મેં એના પેટ ઉપર હાથ મૂક્યો, તેવી જ એ ઉછળી પડી, ‘ઓ મમ્મી રે....! મરી ગઇ રે...!’ હું સમજી ગયો કે એનાં પેટમાં કે પેડુના ભાગમાં ભયંકર દર્દ થતું હશે.

મેં એને સમજાવી, ‘ધારણા! જે બોલે તે સાચું બોલજે, મને કેટલીક શંકાઓ જન્મી છે. તારી સાથે ચોક્કસ કશુંક અજુગતુ બની ગયું છે. તારી હાલત જોતાં તારા શરીરની ‘ગાયનેક’ તપાસ કરવી જરૂરી બની જાય છે, પણ અમારા તબીબીશાસ્ત્રનો નિયમ કહે છે કે જો પેશન્ટ કુંવારી હોય તો એની આંતરિક તપાસ ન કરી શકાય. સાચું કહી દે, શું થયું છે?’

ધારણાએ માંડ-માંડ આંખો ઉઘાડી. થરથરતા હોઠ અને કંપતો અવાજ. એની વેદના મારા કાનોમાં ઠલવાતી રહી, ‘મારી સાથે છેતરપિંડી થઇ છે. ઘોર છેતરપિંડી. હું કોલેજમાં ભણું છું. મારો એક બોયફ્રેન્ડ હતો. જતીન નામ છે એનું. બહાર જે સાત બદમાશો ઊભા છે એમાં જતીન પણ છે. સૌથી ભોળો અને પવિત્ર દેખાય છે એ છોકરો જતીન છે. હું એની સાથે ‘સ્ટેડી’ હતી. એ મારા ઘરે પણ આવતો જતો હતો. મારા પપ્પા બહુ કડક અને જુનવાણી માણસ છે. એટલે હું મારી બહેનપણીઓ સાથે ગરબા રમવાનું કહીને ઘરેથી નીકળી પડતી અને પછી જતીનની સાથે જોડાઇ જતી હતી. આખી રાત એની સાથે રખડતી રહેતી...’

‘તો પછી આજે શું થયું ?’

‘આજે જતીન મને નદીની પેલે પારના દૂરના વિસ્તારમાં લઇ ગયો. ત્યાં એના બીજા છ મિત્રો અચાનક ભટકાઇ ગયા. હવે મને સમજાય છે કે તેઓ અચાનક નહોતા મળી ગયા. અમને તરસ લાગી હતી. જતીનનો નોન ગુજરાતી ફ્રેન્ડ અમારા માટે ઠંડા પીણાં લઇ આવ્યો. મારું પીણું કંઇક ખાસ મિલાવટનું હતું. એ પીધા પછી હું ઘેનમાં સરી પડી. જ્યારે ભાનમાં આવી ત્યારે ખબર પડી કે આ સાતેય બદમાશોએ મને પીંખી નાખી હતી. માંડ માંડ મેં કપડાં પહેર્યાં. ત્યાં તો હું પાછી ફસડાઇ પડી. આ લોકો ગભરાઇ ગયા. જો હું મરી જાઉં તો એમનું આવી બને. માટે મને ખાનગી દવાખાનામાં લઇ આવ્યા છે...’

હું મામલો પામી ગયો, ‘ધારણા, આ તો એક મેડિકો લીગલ કેસ છે. મારે પોલીસને જાણ કરવી પડે. એ પછી જ તારી સારવાર થઇ શકે. મને ખબર છે કે તારું નામ સરનામું આ લોકોએ ખોટું લખાવ્યું છે પણ તારામાં જો હિંમત હોય તો હું આ દરેકને ઓછામાં ઓછી દસ દસ વર્ષની જેલ...’

ધારણા બેઠી થઇ ગઇ, ‘ના, સર! મારે એવું કંઇ નથી કરવું. જો પોલીસ કેસ થશે તો છાપાંમાં નામ આવશે. મને તો જન્મટીપ લાગી જશે. એના કરતાં મને જવા દો! જો તમારા દિલમાં મારા માટે જરાક પણ દયા જેવું હોય તો નામ વગરના પ્રિસ્ક્રિપ્શનમાં ટેબ્લેટ અને મલમ જેવું કંઇક લખી આપીને મને જવા દો! મારું શરીર તો ચૂંથાઇ ગયું, હવે જીવતર બચાવી લો!’

માત્ર નવરાત્રીમાં જ નહીં, એકત્રીસમી ડિસેમ્બરની મધરાત્રે પણ આવી અનેક ધારણાઓ લૂંટાતી રહે છે. ગરબાના સમય ઉપર કાપ મૂકાયો છે એ વાતથી હું તો ખુશ છું. તો પણ જ્યારે જ્યારે નવરાત્રી આવે છે, મને ચીસો પાડતી ધારણા યાદ આવી જાય છે.

(શીર્ષક પંક્તિ: સૂર્યભાનુ ગુપ્ત)

No comments:

Post a Comment