Monday, January 3, 2011

નથી સ્થાન દઈ શકતું માણસની ઓળખ...

 
ડો.ચૌધરીએ જમણા હાથથી તર્જની અને અંગુઠા વડે પોતાના સોનેરી ફ્રેમના ચશ્માં ઠીક કર્યા, આંખોની પાંપણો પતંગિયાની પાંખોની પેઠે ફફડાવી, પછી ઊંટની જેમ ડોક લાંબી કરી અને ડાબો ખભો ત્રણ વાર ઊંચો-નીચો કરીને સામે બેઠેલા મેડિકલ રિપ્રેઝન્ટેટીવને ઉદ્દેશીને આદેશના સૂરમાં અરજ કરી, ‘જો ભાઇ! તે આ દવાઓનાં ફ્રી સેમ્પલ્સ મૂક્યા તે હું સ્વીકારી લઉં છું. મારા ગરીબ દરદીઓને આપવાના કામમાં આવશે. પણ હા કી-ચેઈન આપી છે તે તું પાછી લઈ લે!’

મેડિકલ રિપ્રેઝન્ટેટિવ-એમ.આર. એટલે દવાઓ બનાવતી કંપનીનો સેલ્સમેન. દરેક જાણીતી-અજાણી, નાની કે મોટી કંપનીના સેલ્સમેન મહિને દોઢ મહિને એકવાર અચૂક અમને મળવા માટે આવતા રહે છે. પોતાની કંપનીની દવાઓ વિશે જેમ કન્યાનો પિતા મરચું-મીઠું છાંટીને વખાણ કરે એ રીતે વખાણ કરતા રહે છે. પછી એ દવાઓ પ્રિસ્ક્રાઇબ કરવાની ભલામણ અને અંતમાં થોડાંક ફિઝિશિયન્સ સેમ્પલ્સ, નાની ભેટ અને પછી લળીને, હસીને, ઝૂકીને વિદાય થાય છે. ભેટમાં ગમે તે ચીજવસ્તુ હોઈ શકે છે. કી-ચેઇન, ડાયરી અને પેનનો જમાનો લગભગ પૂરો થઈ ગયો.

હવે શાનું ચલણ છે એ વિશે ચૂપ રહેવું જ બહેતર છે. ડો.. ચૌધરીએ નાનકડી કી-ચેઇન સ્વીકારવાની ના પાડી દીધી એ જોઈને એમ.આર. ડઘાઇ ગયો. દર ત્રણ મિનિટે ઝૂકવાની એને તાલીમ અપાઇ હતી. એટલે એ ઝૂકીને બોલ્યો, ‘સર, આ તો ગિફ્ટ છે. અમારી કંપની તમને કેટલો આદર આપે છે. એનું એક નાનું પ્રતીક છે. પ્લીઝ તમે...’ ‘નો!’ ડો.. ચૌધરીએ ફરી પાછા જમણા હાથ વડે ચશ્માં સરખા ગોઠવ્યા, પાંપણો પટપટાવી, ખભા ઊલાળ્યા અને આ વખતે જરા કડક અવાજમાં શબ્દે શબ્દ છૂટો પાડીને કહ્યું, ‘જો દોસ્ત! તું ભલે ગમે તે કહે. હું ભોટ નથી. તારી કંપની ભલે આને ગિફ્ટ કહેતી હોય, મારે મન તો આ લાંચ જ છે. સોરી, ટેક ઇટ બેક ઓર આઇ વિલ સ્ટોપ પ્રિસ્ક્રાઈબિંગ યોર મેડિસિન્સ.’

પેલો એમ.આર. ભારે છોભીલો પડી ગયો. ઝૂકીને ઊભો થયો, ઝૂકીને એણે કી-ચેઇન ઊઠાવી અને ઝૂકીને ચાલ્યો ગયો. એને કંપની તરફથી ઝૂકવાની તાલીમ મળી હશે, તો ડો.. ચૌધરીને ઈશ્વર તરફથી આવી ચાર-પાંચ તાલીમો મળી હતી. ચશ્માં નાક ઉપર યથાયોગ્ય રીતે ગોઠવાયેલા હોય તો પણ દર બબ્બે મિનિટે ‘સરખા’ કરતા રહેવાની, આંખની પાંપણો સામાન્ય કરતાં ત્રણ ગણી વધુ વાર પટપટાવવાની, ડોકને વિના કારણ લાંબી-ટૂંકી કરતા રહેવાની અને ખભાને ઉછાળવાની! તબીબી ભાષામાં એને ‘ટીક’ (Tic) કહેવાય છે. એ થયા જ કરે. વ્યક્તિની જાણ બહાર અને કાબૂ બહાર. ડો.. ચૌધરી આવી ઘણી બધી ‘ટીકસ’ના માલિક છે.

એમ.આર. ગયો એટલે ડો.. ચૌધરીએ મારી તરફ જોઈને ચશ્માં સરખા કર્યા, ‘જોયું ને શરદ! આ મારા બેટ્ટાઓ બે રૂપિયાની પ્લાસ્ટિકની કી-ચેઇન આપીને બદલામાં આપણું કરોડો રૂપિયાના મૂલ્યનું ઝમીર ખરીદવા નીકળી પડ્યા છે! મેં કેવો ભોંઠો પાડી દીધો એને!’ ‘ભોંઠા તો કોઇને પણ પાડી શકાય પણ કી-ચેઇનને તમે કરપ્શન કેવી રીતે ગણી શકો?’ મેં મારી ના-સમજ પ્રગટ કરી. ‘કરપ્શન નહીં તો એને બીજું શું કહેવાય? આપણે એના સગા કે મિત્ર તો છીએ જ નહીં, તો પછી શા માટે એણે આપણને કી-ચેઇન ભેટમાં આપવી પડી?’

‘હું તો આને શિષ્ટાચાર ગણું.’ મેં દલીલ કરી, ‘આપણે કોઇના ઘરે પહેલીવાર જતા હોઇએ ત્યારે એના બાળક માટે ચોકલેટ નથી લઇ જતા? કોઇ આપણા ઘરે આવે ત્યારે ચા-કોફી નથી પીવડાવતા? એનાથી આપણો સંબંધ ઊભો થાય છે. બાકી કી-ચેઇન જેવી વસ્તુમાં આપણો બંગલો થોડો બંધાઇ જવાનો છે? હું તો ઊલટું તમારા વર્તનને અવિવેક ગણું.’

એમણે પાંપણો પટપટાવીને મારી સામે ટગર ટગર જોયા કર્યું, પછી પ્રત્યેક બે શબ્દોની વચ્ચે ચાર ચાર ઇંચનું અંતર ગોઠવીને બોલવાનું શરૂ કર્યું, ‘આ મારો અવિવેક નથી, દોસ્ત, આ મારી ખુમારી છે. મારા પપ્પાએ આપેલા સંસ્કાર છે. પપ્પા હંમેશાં કહેતા કે આ દવાવાળાઓ આવી નાની નાની ભેટો આપીને તમારી કસોટી કરી લેતા હોય છે. આપણે બિકાઉ છીએ કે નહીં એ ચકાસી લેતા હોય છે. પછી આમાંથી જ કેમેરા, ફ્રીજ અને કાર જેવી મોટી લાંચના પાયા રોપાતા હોય છે. તું મારા વર્તનને અવિવેક કહે છે ને? તો તે હજુ સુધી આ ડો.. ચૌધરીના અવિવેકને જોયો જ નથી.

બીજીવાર ક્યારેક આવજે, બતાવીશ કે હું શું કરી શકું છું.’ ડો.. ચૌધરી મારા ખાસ મિત્ર છે, એટલે ફરી ફરીવાર મળવાનું તો થતું જ રહે. પોતે શું કરી શકે છે તે બતાવી આપવાનો એમને મોકો મળી ગયો. નવા વરસનો પ્રથમ દિવસ. એમના વિસ્તારમાં મેડિકલ સ્ટોર ધરાવતો એક ફાર્માસિસ્ટ એમને મળવા માટે આવ્યો. સાથે મીઠાઇનું બોક્સ લાવ્યો હતો. એણે ડો.. ચૌધરી સાથે હાથ મિલાવ્યા, ‘હેપ્પી ન્યૂ યર, સર!’ ‘હં...અ...અ...!’ ડો.. ચૌધરીના કાનમાં ‘હેપ્પી ન્યૂ યર’ ન ગયું, પણ આંખમાં પેલું બોક્સ ગયું જ ગયું. એમના ખભામાં ઉછળવા માંડ્યા, ‘આ બોક્સમાં શું છે?’ ‘પેંડા, સર!’ ‘શેના પેંડા? તારા ઘરે દીકરો જન્મ્યો છે?

તને બે કરોડની લોટરી લાગી છે? તે નવી ગાડી ખરીદી? તારી દીકરી માટે સારો મુરતિયો...?’ ‘તમેય શું, ડોક્ટર સાહેબ, મારા જેવા સામાન્ય માણસની મશ્કરી કરો છો! હું તો... આજે બેસતું વર્ષ છે એટલે... તમને એકલાને નહીં... માત્ર ડોક્ટરોને જ નહીં, પણ મારા બધાં નિકટના સ્વજનોને શુભેચ્છાના પ્રતીક રૂપે...’ ‘આ બધી શબ્દોની રમત છે. શેના સ્વજનો ને શેનું પ્રતીક? સો રૂપિયાના પેંડાની લાંચ આપીને તું મારા જેવા પ્રામાણિક ડોક્ટરનો ઇમાન ખરીદવા નીકળ્યો છે? ઉઠાવ તારું બોક્સ અને ચાલ્યો જા અહીંથી, નહીંતર મારા એક પણ દરદીને તારી દુકાને નહીં આવવા દઉં!’ ડો.. ચૌધરીનો પુણ્યપ્રકોપ નિહાળીને પેલો તો રફુચક્કર થઇ જ ગયો. હું ખુદ હલી ગયો.

‘દોસ્ત, મને તમારું વર્તન સમજાયુ નહીં. એ દવાની દુકાનવાળાએ પેંડા આપીને એવો તે કયો મોટો ગુનો કરી નાખ્યો કે તમે એને ઘઘલાવી નાખ્યો? પેંડા આપણા દરદીઓ પણ બાળકના જન્મ સમયે આપણને આપતા હોય છે.’ મેં તર્ક પેશ કર્યો. ડો.. ચૌધરીએ આંખો, ચશ્માં, ખભા અને ડોક પાસેથી લેવા જેટલું કામ એમણે લઈ લીધું, પછી મારી ના-સમજ પ્રત્યે દયાના ભાવ સાથે એમણે જવાબ આપવાનું શરૂ કર્યું, ‘આ વાત તને ક્યારેય નહીં સમજાય, શરદ! એના માટે તારે મારા પપ્પાને મળવું પડે. તેં તો એમને કામ કરતાં જોયા નથી. પપ્પા ડોક્ટર હતા. પૂરા ચાલીસ વરસ સુધી એમણે જનરલ પ્રેક્ટિસ કરી. કાયમ સફેદ વસ્ત્રો જ પહેર્યાં.

અને કામ પણ બધાં ધોળા જ કર્યા. આજકાલના ડોક્ટરો હિસાબના ચોપડા પણ બે જાતના રાખે છે ને? પપ્પાએ એક જ જાતનો ચોપડો રાખ્યો. સફેદ કમાણીનો સફેદ ચોપડો. બે નંબરનો કાળો પૈસો એ ન તો કમાયા, ન બીજે ક્યાંથી એમણે સ્વીકાર્યો. એ સંસ્કાર મારી રગોમાં વહી રહ્યા છે. તમે જેને ભેટ ગણો છો એ મારે મન લાંચ અને ફક્ત લાંચ જ છે. હું તો તનેય કહું છું, આ બધી લાલચોથી બચતો રહેજે!’ આવા સાત્વિક ડોક્ટર મિત્ર તરફથી આ કક્ષાની સલાહોનો સતત મારો ચાલતો હોય, પછી મારે બીજું વિચારવાનું પણ શું હોય! મેં પણ કી-ચેઇન, પેન કે ડાયરી જેવી નાની નાની ભેટોને મોટો મોટી રિશ્વતના રૂપમાં જોવાનું શરૂ કર્યું. હમણાં એકાદ વરસ પહેલાંની ઘટના છે. એક કુખ્યાત ફાર્મા કંપનીનો પ્રતિનિધિ મને મળવા માટે આવ્યો. કંપની ‘જાણીતી’ હતી, એની દવાઓ અજાણી હતી.

‘સર, હું આપને ‘ઇન્વાઇટ’ કરવા આવ્યો છું. અમારી કંપનીએ કેટલાક ચૂંટેલા કન્સલ્ટન્ટોને ગુજરાતના એક રમણીય રિસોર્ટમાં ત્રણ દિવસ અને ચાર રાત માટે લઈ જવાનું નક્કી કર્યું છે. એમાં આપનું નામ પણ સામેલ છે.’ એણે મીઠા સ્વરે, અડધા ઝૂકી જાણે પોતાના દીકરાની જાનમાં જોડાવાનું આમંત્રણ આપતો હોય તે રીતે કહ્યું.

રિસોર્ટનું નામ સાંભળીને મારી આંખમાં ખુશીની ચમક છવાઇ ગઇ. અમદાવાદથી બે-અઢી કલાકના અંતરે આવેલો એક ખૂબ જાણીતો પેલેસ રિસોર્ટ હતો. ત્યાં આટલા દિવસો ગાળવાના, આજુબાજુના જોવાલાયક સ્થળોએ તણાવમુક્ત મન થઇને રખડવાનું, મનભાવન ભોજનનો સ્વાદ માણવાનો અને ખિસ્સામાં હાથ પણ નાખવાની તસ્દી નહીં ઉઠાવવાની! પણ હું લાચાર હતો. થોડો ઘણો માતા-પિતાના સંસ્કારોનો પાયો હતો, બાકી તો ડો.. ચૌધરી જેવા પ્રાત:સ્મરણીય મિત્રની શિખામણોથી રચાયેલી બુલંદ ઇમારત હતી. મેં ના પાડી દીધી.

‘સોરી, મિત્ર! હું તમારું આમંત્રણ સ્વીકારીશ નહીં. મારે મન આ માત્ર રિશ્વત છે. તમે મને ફરવા લઇ જાવ અને બદલામાં તમારી દવાઓ લખ્યા કરવાની. કોઇ પણ સાચો, નીતિવાન ડોક્ટર આવું કરવાની ના જ પાડે!’ પેલાએ આગ્રહ જારી રાખ્યો, ‘એવું નથી, સર! અમે બહુ ઓછા ડોક્ટરોને પસંદ કર્યા છે. અને બધાએ હા પાડી દીધી છે. મારી પાસે આ યાદી છે જેમાં સંમતિ આપનારા ડોક્ટરોના નામ છે...’ મેં યાદી વાંચી, હું સડક થઇ ગયો. અને તેમ છતાં હું એ રિસોર્ટમાં જવા તૈયાર ન જ થયો.

એકાદ મહિના પછી હું અને ડો.. ચૌધરી એમના કન્સલ્ટિંગ રૂમમાં બેઠા હતા. ‘હમણાં જ એક પેશન્ટના વરને મેં ખખડાવી નાખ્યો. કાલે દીકરો જન્મ્યો એના પેંડા આપવા આવ્યો હતો. ડિલિવરીનું બિલ તો આપણે લઇએ જ છીએ ને! પછી પેંડા શેના લેવાના? મારા પપ્પાના સંસ્કાર...’ ‘એક મિનિટ!’ મેં જિંદગીમાં પહેલીવાર એમની વાત પૂરી થતાં પહેલાં જ કાપી નાખી. ‘ગયા મહિને ફલાણી કંપની તરફથી લાંચના પેકેજ ડીલ જેવી પ્રાયોજિત ટૂરમાં ‘પ્રામાણિક’ ડોક્ટરો ગયા હતા, એમાં તમારું નામ હું વાંચી ચૂકયો છું.

હવે પછી ક્યારેય પ્રમાણિકતા વિષેની પોકળ ભાષણબાજી મારી આગળ ન ચલાવશો. તમારા સ્વર્ગસ્થ પિતાજી વિશે નાહકનો મારા મનમાં ખોટો ભ્રમ ઊભો થશે!’ ડો.. ચૌધરી સ્તબ્ધ થઇ ગયા. ન એમણે ખભા હલાવ્યા, ન ચશ્માં સરખા કર્યા, ન પાંપણો પટપટાવી. ડોક ઊંચી કરવાનો તો પ્રશ્ન ન હતો. એના માટે ખોપરીમાં ખુમારી હોવી ફરજિયાત હોય છે.

(શીર્ષક પંક્તિ: હેમેન શાહ)

No comments:

Post a Comment