Monday, January 3, 2011

રસ્તામાં કોઇ ફૂલ શાં માણસ મળ્યાં હશે,

રસ્તામાં કોઇ ફૂલ શાં માણસ મળ્યાં હશે,
નહીંતર ‘અનિલ’ આટલો મોડો પડે નહીં

મને યાદ છે કે એ વરસાદી ઋતુ હતી, આષાઢી મોસમ હતી. મને એ તારીખ પણ બરાબર યાદ છે. આ બધું યાદ એટલા માટે છે કારણ કે એ દિવસે હું ઉદાસ હતો. લગભગ અડધા ઉપરાંતના દિવસના ઉલ્લાસ પછી મારા યુવા મનોકાશમાં ઉદાસીનાં વાદળો છવાઇ ગયાં અને હું ઉદાસ એટલા માટે હતો કે એ દિવસે મારો જન્મદિવસ હતો. પોતાના જન્મદિવસે કોઇ ઉદાસ હોઇ શકે? હા, હોઇ શકે જો એ માણસ એ દિવસે એના પરિવારથી દૂર બેઠો હોય. મારો પરિવાર અમદાવાદમાં હતો અને હું બહારગામ નોકરીના સ્થળે. અઠવાડિયે એક જ દિવસની રજા મળતી હતી, પણ હું રજાના આગલા દિવસે સાંજે નીકળી જતો હતો. આજથી પચીસેક વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે એસ.ટી. બસની આજના જેટલી ફ્રિકવન્સી ક્યાં હતી? છેલ્લી બસ સાંજે પાંચ વાગ્યાની હતી. આગળની અઠવાડિક રજામાં હું ઘરે આવ્યો હતો, ત્યારે મારી પત્નીએ યાદ કરાવ્યું હતું, ‘આવતા શનિવારે આવશો ને?’ એનાં ખોળામાં અમારી નવજાત દીકરી સૂતેલી હતી.

‘કેમ નહીં?’ મેં સ્નેહભરી નજરે એની તરફ જોયું, ‘અત્યાર સુધી તારા માટે આવતો હતો, હવે તમારા માટે આવીશ’ મારી નજર મારી ઢીંગલી તરફ હતી. પત્ની હસી, ‘ના, આ વખતે અમારા માટે નહીં, પણ તમારા માટે આવવાનું છે.’ પછી મારા ચહેરા ઉપરની મૂંઝવણ સમજી જઇને એણે ઊખાણું ઉકેલી આપ્યું, ‘ભૂલી ગયા ને! શુક્રવારે તમારો જન્મદિવસ છે.’ મેં કાન પકડ્યા. હું ખરેખર ભૂલી ગયો હતો. મારી યાદશક્તિ તીવ્ર છે, પણ મને ગમતી કે રસ પડતી વાતો જ મને યાદ રહે છે. તારીખો, ફોન નંબર્સ કે વાહનોના નંબર્સ મને ક્યારેય યાદ નથી રહેતા. મારી ખુદની જન્મતારીખ મારા મિત્રોએ કે સ્વજનોએ યાદ કરાવવી પડે છે. મને જે યાદ રહી જાય છે તે ઘટના હોય છે. એટલે તો આ ઘટના આજે આટલા વરસ બાદ પણ યાદ છે.

શુક્રવારે સવારે હું ઊઠ્યો ત્યારથી જ પ્રસન્ન હતો. પ્રસન્નતાનું કારણ માત્ર મારો જન્મદિવસ ન હતું, પણ સાંજે પાંચ વાગ્યાની બસમાં ઘરે જઇને પરિવારની સાથે એની ઊજવણી કરવા મળશે એ હતું. કલ્પનામાં ઊજવણીનો નકશો હતો એના કારણે પગમાં થનગનાટ હતો. રોજ કરતાં વોર્ડનો રાઉન્ડ પણ વહેલો પતાવી લીધો. ઓપીડીમાં પહોંચ્યો ત્યારે માંડ નવ વાગ્યા હતા. દર્દીઓ તપાસવાનો સમય દસ વાગ્યે શરૂ થતો હતો.

મેં વોર્ડબોયને બોલાવ્યો. સો રૂપિયાની નોટ એના હાથમાં મૂકી દીધી કહ્યું,‘દસ-પંદર કપ આઇસક્રીમના લઇ આવ!’ એ હસ્યો, ‘અહીં આઇસક્રીમ નથી મળતો.’ ‘તો કંઇક ઠંડું લઇ આવ!’ ‘ઠંડામાં તો માટલાનું પાણી મળે છે. કેટલા ગ્લાસ લાવું?’ ‘મારી મશ્કરી કરે છે, બદમાશ? હવે એક પણ મિનિટ માટે અહીં ઊભો રહ્યો છે, તો આ નોટ હું પાછી લઇ લઇશ.’ મેં ધમકી ઉચ્ચારી, ‘ઝટ ઉપડ અને તારા આ મોટા ગામડામાં કોઇપણ દુકાનમાં જે કંઇ ખાવાનું કે પીવાનું મળતું હોય તે લઇ આવ. અને પાછા ફરતી વખતે ત્રણેય ડોક્ટર સાહેબોને કહેતો આવજે કે એમની ઓપીડીમાં જતાં પહેલાં અહીં આવી જાય.’ મારી વાત પૂરી થઇ એ સાથે જ વોર્ડબોયના પગ ચાલુ થયા.થોડીવારમાં એ બે મોટાં પડીકાં લઇને પાછો ફર્યો. ટેબલ ઉપર મૂકીને પડીકાં પાથર્યા, ગરમાગરમ ફાફડા ને જલેબીની સુગંધ આગળ ડેટોલની વાસ દબાઇ ગઇ. ચાર-પાંચ જણા પૂરતો હિસ્સો અલગ તારવીને બાકીનો ભાગ મેં ત્રીજા અને ચોથા વર્ગના ઓપીડી સ્ટાફ માટે મોકલી આપ્યો.

વોર્ડ્ઝના રાઉન્ડ પતાવીને ડૉ.. પટેલ, ડૉ..પંડ્યા અને ડૉ.. કોટડિયા ફૂલની સુવાસથી ભમરાઓ ખેંચાઇ આવે તેમ ધસી આવ્યા. ડૉ.. પંડ્યાએ પહેલું કાર્ય જલેબી ઉપર હાથ નાખવાનું કર્યું અને બીજું કામ આ પ્રશ્ન પૂછવાનું, ‘વાહ, ઠાકર સાહેબે તો સવાર સુધારી દીધી! શેની પાર્ટી છે આ?’ ‘સબૂર, મિત્ર! જલેબી મોંમાં મૂકતાં પહેલાં એક વાત સમજી લો, આ કોઇ પાર્ટી-ફાર્ટી નથી, આ લાંચ છે!’ ‘લાંચ?!’

‘હા, આજે મારો બર્થ-ડે છે. બસ, બસ! એમાં આમ ઊછળી ઊછળીને અભિનંદન આપવાની જરૂર નથી. આજે સાંજે હું નીકળી પડવાનો છું. મારો ડે-ઓફ્ફ તો આવતીકાલે છે, પણ હું આજે સાંજે જ પાંચ વાગ્યાની બસમાં...’

ડૉ.. કોટડિયા જનરલ સજર્યન હતા અને હોસ્પિટલના સી.એમ.ઓ.પણ. એમણે ફાફડાનો આખો વાટો મોંઢામાં ભરી દઇને માંડ માંડ બોલી શકાય એવું બોલી ગયા, ‘નો પ્રોબ્લેમ! તમે આજના પૂરા દિવસનું કામ પતાવીને નીકળી જજો. રાત દરમિયાન સિઝેરિઅનનાં પેશન્ટ ન આવે તો સારું. બાકી નોર્મલ ડિલીવરઝિ તો સિસ્ટરો પતાવી નાખશે.’ પેટમાં પડેલાં ફાફડા-જલેબી અસર બતાવી રહ્યાં. ડૉ.. કોટડિયાની ઉદારતા આગળ વધી, ‘એના માટે આ લાંચ આપવાની ક્યાં જરૂર હતી, ડૉ.. ઠાકર? તમે એમ જ કહ્યું હોત તો પણ અમે તમને જવા દીધા હોત...’

‘નાઉ લેટ મી કરેક્ટ માયસેલ્ફ, ડૉ.. કોટડિયા! વાસ્તવમાં આ લાંચ નથી, પણ પાર્ટી જ છે. નાનકડા ગામમાં જે કંઇ મળી શક્યું એ તમને પીરસ્યું છે. જ્યારે બહુ નાનો હતો ત્યારે મારી બાએ એકવાર કહ્યું હતું, ‘બેટા, તારા જન્મદિવસે કોઇ દિ’ એકલો ન જમીશ. તું જે દિવસે જન્મ્યો એ મારા માટે સૌથી મોટી ખુશીનો અને તારા માટે સૌથી વધુ મહત્વનો દિવસ હતો. એ દિવસે એકલપેટો ન થઇશ.’

બસ, મારી બાની એ સહજ વાતને આજ સુધી તો માથા ઉપર ચડાવીને જીવ્યો છું. ઘરથી દૂર ચૌદ વરસ કાઢયા છે. ભણતો હતો ત્યારે આ દિવસે જો કોઇ મિત્ર ન મળે તો કેમ્પસમાંથી સાવ અજાણ્યા વિદ્યાર્થીને પકડીને એની સાથે જમ્યો છું. જન્મદિવસ ભલે ભૂલી જતો હોઉં, પણ બાએ આપેલી સલાહવાળી ઘટના ભૂલતો નથી.’એ દિવસે ભૂલી ગયેલો જન્મદિવસ પત્નીએ યાદ કરાવ્યો હતો, હવે મને આવનારી ઘટનાનો પગરવ સંભળાઇ રહ્યો હતો. આજે સાંજે ફરજમાંથી ગુટલી મારવાની છે, છેલ્લી બસમાં બેસીને અમદાવાદ જઇ પહોંચવાનું છે, ત્યાં મારી બાનાં હાથની બનેલી અને ભાવતી વાનગીઓ માણવાની છે અને મારા નાનકડા પરિવારની સાથે મારી જિંદગીની સૌથી મહત્વની ઘટનાને ઊજવવાની છે.

બપોરના ચાર વાગ્યાથી કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયું. સાંજનો રાઉન્ડ વહેલાસર પતાવી દીધો. કેસ-પેપરમાં રાતની સારવારની સૂચના ટપકાવી દીધી. હેન્ડબેગ તો ક્યારનીયે તૈયાર કરી રાખી હતી. સવા ચારે હોસ્પિટલની જીપમાં બેસવા જતો હતો, ત્યારે મારા કાનમાં અંગ્રેજ કવિ રોર્બટ ફ્રોસ્ટની પંક્તિઓ ગુંજતી હતી, ‘બટ આઇ હેવ પ્રોમિસિઝ ટુ કીપ... એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઇ સ્લિપ... એન્ડ માઇલ્સ ટુ ગો બિફોર આઇ સ્લિપ...’
***
જીપ ચાલુ થાય એ પહેલાં જ રમેશ ઝડપભેર અમારી દિશામાં દોડતો આવી રહેલો દેખાયો. રમેશ હોસ્પિટલના ઓપરેશન થિયેટરનો કર્મચારી હતો.

‘સાહેબ, હમણા જશો નહીં. સજર્યન સાહેબે કહેવડાવ્યું છે. પાંચ મિનિટ માટે થિયેટરમાં આંટો મારી જાવ ને!’ રમેશ હાંફતો હતો. હું ઊતરી પડ્યો. થિયેટરમાં જઇને જોયું, ઓપરેશન ચાલતું હતું. ત્રીસેક વરસની સ્ત્રી ટેબલ પર સૂતેલી હતી. પેટ ખુલ્લું હતું. લોહીવાળાં મોજાં સાથે ડૉ.. કોટડિયા ઊભા હતા. મને જોઇને એમની આંખોમાં ચમક આવી ગઇ, ‘સારું થયું, તમે આવી ગયા. એકચ્યુઅલી, હું ઇમરજન્સીમાં આનું પેટ ખોલીને બેઠો છું. આઇ થોટ ઇટ શૂડ બી એપેન્ડીસાઇટિસ. બટ ઇટ ઇઝ નોટ સો, ડૉ.. ઠાકર, યુ પ્લીઝ હેવ એ લૂક ઇન્સાઇડ હર એબ્ડોમન. પ્રોબેબ્લી શી ઇઝ યોર પેશન્ટ!’ મેં દર્દીના ખુલ્લા પેટમાં નજર નાખી. હા, એ સર્જિકલ નહીં પણ ગાયનેક કેસ હતો. મારે તાત્કાલિક કપડાં બદલીને ‘સ્ક્રબ’ થવું પડ્યું. ગાઉન અને હેન્ડ ગ્લોવ્ઝ ચડાવીને મેં પેટમાં હાથ નાખ્યો. મારા મોંમાંથી સરી પડ્યું, ‘ઓહ, યસ! ઇટ ઇઝ ક્રોનિક એક્ટોપિક પ્રેગ્નન્સી, ડૉ.. કોટડિયા! તમે સારું કર્યું કે મને રોકી લીધો. અધરવાઇઝ શી વૂડ હેવ...’
ઓપરેશન ચાલુ હતું માટે હું ‘મૃત્યુ’ શબ્દ ગળી ગયો. એ સ્ત્રીની જમણી બાજુની ફેલોપિઅન નળીમાં ગર્ભ ફાટ્યો હતો. એ ગમે તે કારણસર મરવાને બદલે તાત્કાલિક તો ટકી ગઇ હતી, પણ પછી એપેન્ડીસાઇટિસનાં ચિન્હો સાથે દવાખાનામાં આવી ચડી હતી. ડૉ.. કોટડિયા અનુભવી હતા, તો પણ થાપ થઇ ગયા હતા. એમાં એમની કશી જ ભૂલ ન હતી. નળીની સાથે ચોંટી ગયેલાં અન્ય અંગોને છુટા પાડવામાં અને ફાટેલી નળી દૂર કરવામાં દોઢ કલાક નીકળી ગયો. અમે થિયેટરમાંથી બહાર નીકળ્યા ત્યારે છ વાગવા આવ્યા હતા.

‘આઇ એમ સોરી, ડૉ.. ઠાકર! તમે આપેલી લાંચ કામમાં ન આવી.’ ડૉ.. કોટડિયાના અવાજમાં સાચુકલો અફસોસ હતો, ‘હવે તમે જઇ નહીં શકો, પાંચ વાગ્યાની બસ તો ક્યારનીયે ઊપડી ગઇ હશે.’

‘જાણું છું, પણ જો તમે હા પાડો તો... હું કોશિશ કરી જોઉં!’ મેં કહ્યું. એમણે ખુશીથી માથું હલાવ્યું. જીપ મને હાઇવે સુધી મૂકી ગઇ. એ સ્થાન ખૂણામાં હતું. પાંખો વાહન-વ્યવહાર હતો. એક કલાકમાં ભાગ્યે જ ત્રણ-ચાર વાહનો પસાર થતા હતા. હું વિદાય લેતી સાંજના પથરાતા અંધકારમાં હાથ લાંબો કરતો ઊભો રહ્યો. એક ટેન્કર મને ત્રીસ કિ.મી. લઇ ગયું, એક ટેમ્પો બીજા ચાલીસ કિ.મી. ખેંચી ગયું, છેલ્લે એક ટ્રકના ડ્રાઇવરની કેબિનમાં બેસીને હું અમદાવાદ પહોંચ્યો. ઘરમાં પ્રવેશ્યો ત્યારે રાતના સાડા અગિયાર વાગ્યા હતા. મારી ઢીંગલી ઊંઘી ગઇ હતી, બા-બાપુજી અને પત્ની જાગતાં હતાં. મને જોતાંવેંત મારી બા દોડીને રસોડા તરફ ગઇ. ઠંડી પડી ચૂકેલી વાનગીઓ ગરમ તો કરવી પડે ને?

મારી પત્નીએ આંખોમાંથી આત્મવિશ્વાસ છલકાવ્યો, ‘મોડું તો ખૂબ થઇ ગયું, પણ મને ખાતરી હતી કે તમે આવશો જ. કેમ ન આવો? આખરે તમારો જન્મદિવસ હતો ને?’

‘ના, હું મારા માટે નથી આવ્યો, આવ્યો છું તારા માટે અને દીકરી માટે. હું હાથ ધોઉં છું, એટલી વારમાં જગાડ આપણી ઢીંગલીને. તારીખ બદલાઇ જાય એ પહેલાં આપણી પાસે ફકત અડધો કલાક છે.’‘

No comments:

Post a Comment