Monday, January 3, 2011

આગમન એનું સુણીને ઊર્મિઓ હરખાઈ ગઈ...


‘સાહેબ, અમારાં લગ્નને બાર વરસ થઈ ગયાં, અમારે એક પણ બાળક નથી...’‘એમ? ત્યારે એટલાં વરસ એમ ને એમ તો નહીં કાઢયા હોય ને! ક્યાંક દવા-સારવાર કરાવી હશે ને?’‘કરાવી છે ને? એક નહીં, એકવીસ જગ્યાએ કરાવી છે. જેટલા જાણવા મળ્યાં એટલાં દવાખાનાં જોઈ નાખ્યા. ખિસ્સામાં જેટલાં હતા એના કરતાં વધારે રૂપિયા ખર્ચી નાખ્યા. જેટલાં જુતાં ઘસ્યા એના કરતાં વધુ તો જાત ધસી નાખી. પણ સંતાનસુખ ન મળ્યું તે ન જ મળ્યું. છેલ્લે થાકી-હારીને તમારી પાસે આવ્યા છીએ.’

ઉપરનો સંવાદ માત્ર મારા જ નહીં, પણ દેશભરના તમામ ગાયનેક ડોક્ટરોના કન્સલ્ટિંગ રૂમ્સમાં ભજવાતો રહે છે, એકવાર નહીં, બાર બાર લગાતાર. હું જેના વિશે આજે વાત કરવા બેઠો છું એ દર્દી મારી પાસે એકાદ મહિના પહેલાં આવેલ. પતિ-પત્ની બંને નિરાશ હતા. ખિસ્સાથી ખાલી થઈ ગયેલાં અને હૈયાથી હારી ચૂકેલાં.

‘તો છેક હવે મારી પાસે આવ્યાં? હું શું કરી શકવાનો?’ મેં ટેબલ ઉપર દર્દીએ મૂકેલી ફાઈલના પહાડ તરફ નજર ફેંકીને પૂછ્યું. વગર જોયે હું જોઈ શકતો હતો કે એ ફાઈલોના બે પૂંઠાંની અંદર એ બધું કેદ થયેલું હતું, જે આધુનિક તબીબી વિજ્ઞાન કોઈ દર્દીને આપી શકે છે. શહેરના લગભગ તમામ નામાંકિત ઈન્ફર્ટિલિટી નિષ્ણાત ડોક્ટરોની એ ફાઈલો હતી. હું એમને ઓળખતો હતો. એ બધાં પોતાની રીતે હોશિયાર હતા, પ્રામાણિક હતા અને સાચી પ્રેક્ટિસ કરનારા હતા. અલબત્ત, મોંઘા બહુ હતા, પણ એમાં કોઈ શું કરી શકે? તાજહોટલમાં ચા પીવા જાવ તો એક કપના એક હજાર રૂપિયા ચૂકવવા પણ પડે!

મારો સવાલ સાંભળીને પતિ ગળગળો થઈ ગયો, ‘સાહેબ, એવું ન બોલશો. અમે તમારી પાસે મોટી આશા લઈને આવ્યાં છીએ. તમારા હાથમાં જશ રેખા છે એવું અમે સાંભળ્યું છે...’આ એક શબ્દ મને ક્યારેય સમજાયો નથી. જશરેખા એટલે વળી શું? મેં કીરોની પામિસ્ટ્રરીનો ઊંડો અભ્યાસ કરેલો છે. મનુષ્યની હથેળીમાં ભાગ્યરેખા, મસ્તિષ્કરેખા, આયુષ્યરેખા વગેરે હોઈ શકે. અમિતાભ બચ્ચનની હથેળીમાં બીજી ‘રેખા’ પણ છે. પણ આ જશરેખા વળી કંઈ બલાનું નામ હશે?!

‘સારું ત્યારે.’ કહીને મેં કેસપેપરમાં દર્દીની વિગત નોંધવી શરૂ કરી. નામ-ઠામ, ઉંમર જેવી સામાન્ય માહિતી પૂછી લીધા પછી તે સ્ત્રીની અંગત માહિતી પૂછવાનું શરૂ કર્યું. મેન્સ્ટ´અલ હિસ્ટ્રી વિશે પૂછ્યું ત્યાં તે સ્ત્રીએ મૂંઝવણ અનુભવી, ‘આમ તો મને દર મહિને નિયમિત રીતે આવી જાય છે, પણ આ વખતે દોઢેક મહિનાથી થઈ નથી.’

હું ચોંકી ગયો, ‘ક્યાંક એવું તો નથી ને કે તમને ગર્ભ રહી ગયો હોય?’એણે નિરાશાભર્યું હસીને જવાબ આપ્યો, ‘ના રે, સાહેબ! છેલ્લાં છ એક મહિનાથી તો અમે દવા પણ બંધ કરી દીધી છે. કોઈ ડોક્ટર પાસે ગયા જ નથી.’‘સારા સમાચાર માત્ર ભગવાન આપે છે, બહેન, ડોક્ટરો તો માત્ર સારવાર કરી જાણે. મને લાગે છે કે તમારો કેસ હાથમાં લેતાં પહેલાં મારે ખાતરી કરી લેવી જોઈએ કે તમને આ મહિને માસિકસ્રાવ કેમ નથી આવ્યો! તમને વાંધો ન હોય તો હું તમારો ‘યુરીન ટેસ્ટ’ કરી જોઉં.’

દર્દીને બાપડીને શો વાંધો હોય! એણે મૂત્રનો નમૂનો આપ્યો. મેં ‘પ્રેગ્નન્સી ટેસ્ટ’ માટેની સારી કંપનીની સ્ટ્રીપ કાઢીને એમાં યુરીનના થોડાંક ટીપાં રેડ્યાં. હવે તો દર્દીઓ પણ આવી તપાસ પોતાના ઘરે જાતે કરવા માંડ્યા છે. એનું તારણ બહુ સરળ હોય છે. પટ્ટી ઉપર યુરીનનો સ્પર્શ થયા પછીની બે મિનિટમાં જો એક ઊભી લીટી નજરે ચડે તો એનો મતલબ કે તે દર્દી પ્રેગ્નન્ટ નથી. અને જો બે સમાંતર લીટીઓ દેખાય તો સમજવું કે તે દર્દી પ્રેગ્નન્ટ છે. આમાં કેટલીક નાની નાની બારીક શક્યતાઓ રહેલી છે, પણ એ માત્ર ડોક્ટરો જ સમજી શકે તેવી છે. સામાન્ય દર્દીઓ માટે ઉપરની વિગત પર્યાપ્ત છે.

હું યુરીનના ટીપાં રેડીને એ વાતની પ્રતીક્ષા કરી રહ્યો કે પટ્ટી ઉપર એક લીટી ઊપસી આવે છે કે બે! ઘડિયાળનો સેકન્ડ કાંટો ‘ટીક ટીક’ કરતો સરકી રહ્યો હતો. હું મનોમન વિચારતો હતો: જો લીટીઓ ઝબકી ઊઠે તો કેવું સારું! અલબત્ત, એવું થશે તો મને આ દર્દીની વંધ્યત્વની સારવાર કરવાના હજારો રૂપિયા નહીં મળે, પણ આ સમાચાર સાંભળીને એ દંપતીને જે આનંદ થશે તે ર્દશ્ય જોવાનું સદ્ભાગ્ય તો મળશે ને? હે ભગવાન, જલદી કર... અને જે કરે તે સારું કર!

આમ તો આ મારા દિમાગમાં ચાલતું ‘વિશફુલ થિંકિંગ’ જ ગણાય. બાકી જે પરિણામ આવવાનું હશે તે જ આવવાનું છે. હું શ્વાસ થંભાવીને આંખનો પલકારો માર્યા વગર ટેસ્ટની પટ્ટી તરફ જોઈ રહ્યો હતો. એક રેખા તો તરત જ ઊભરી ગઈ હતી. દોઢેક મિનિટ પૂરી થઈ ત્યાં બીજી રેખા પણ દેખાવા લાગી. બીજી ત્રીસ સેકન્ડમાં તો બંને રેખાઓ સ્પષ્ટ જાડી અને પાંચ ફીટ દૂરથી જોઈ શકાય તે રીતે અંકાઈ આવી. ‘અભિનંદન! તમારા માટે સારા સમાચાર છે. તમને ગર્ભ રહી ગયો છે.’ મારા મોંમાંથી છાલકની જેમ શબ્દો નીકળી પડ્યાં.

‘જોયું? હું નહોતો કે’તો?’ પતિ ગળગળો બની ગયો, ‘છેવટે તમારી પાસે આવ્યા ત્યારે સારો દિવસ જોવા મળ્યો ને?’
‘મેં આમાં શું કર્યું છે, ભાઈ? મેં તો પાંચ પૈસાની ગોળી પણ નથી લખી આપી. તમારી પત્ની મારા દવાખાનામાં આવી તે પહેલાં જ તેને...’પેલો ગરીબ માણસ હસી પડ્યો, ‘આને જ જશરેખા કહેવાય, સાહેબ! તમે જ હમણાં કે’તા’તાને કે સારા સમાચાર તો ભગવાન આપે છે, ડોક્ટરો તો માત્ર સારવાર આપી જાણે! હવે તમે જ બોલો! તમે એવા ડોક્ટર છો જેણે અમને સારવાર નથી આપી, પણ સારા સમાચાર આપ્યા છે.’

એ માણસની કોઠાસૂઝ જોઈને હું દંગ રહી ગયો. એ દિવસે મને ખબર પડી કે જો ડોક્ટરના હાથમાં જશરેખા હોય તો ચપટી ધૂળ પણ દવા બની જાય છે. જશરેખાની આ એક વ્યાખ્યા હતી જે મને યાદ રહી ગઈ છે.

***

તાજેતરની ઘટના છે. એક મા એની દીકરીને લઈને આવી. દીકરી કુંવારી હતી. એ પરણેલી હોવાનો પ્રશ્ન જ પેદા થતો ન હતો, કારણ કે એની ઉંમર માત્ર ચૌદ-પંદર વર્ષની હતી.મેં કેસપેપર કાઢવાનો પ્રારંભ કર્યો ત્યાં જ એની મમ્મી બોલી ઊઠી, ‘સાહેબ, એક મિનિટ મારે જરા મને સાંભળી લો! મારી દીકરીનો કેસ ન કાઢશો, પ્લીઝ!’ હા એ મમ્મી ‘પ્લીઝ’ બોલી શકવા જેટલું ભણેલી હતી. મેં પેન મૂકી દીધી, પ્રશ્નસૂચક નજરે એની સામે જોયું.

‘આ ટીના છે. મારી દીકરી. ચૌદમું વર્ષ હમણાં જ પૂરું કર્યું છે. ગયા મહિને અમારી સાથે ભયંકર દુર્ઘટના બની ગઈ. અમારા કપડાં લોન્ડ્રીમાં આપેલા હતા ઈસ્ત્રી માટે. ત્રણ દિવસ પછી મેં ટીનાને કપડાં લઈ આવવા માટે મોકલી. સાંજનો સમય હતો. વરસાદી વાતાવરણ. લોન્ડ્રી પર એક જુવાન ધોબી સિવાય બીજું કોઈ ન હતું. મારી ટીનાને જોઈને એ રાક્ષસનું મન બગડ્યું. એ કપડાં ઓળખવાના બહાને ટીનાને અંદરના ઓરડામાં લઈ ગયો. અને એનું મોં દાબીને તૂટી પડ્યો. આગળની વાત માટે શબ્દો જરૂરી ન હતા. ટીનાની મમ્મીનાં આંસુ જ બળાત્કારનું બયાન કરી રહ્યાં હતા.

મેં પૂછ્યું, ‘તમે એ નરાધમની સામે પોલીસ ફરિયાદ શા માટે ન કરી? કાયદામાં આવા અપરાધ માટે સખત સજાની જોગવાઈ છે.’ ‘જાણું છું,પણ હું દીકરીની મા છું. સાહેબ! પોલીસ કેસ થાય એટલે મારી દીકરી છાપે ચડે. એનું નામ ઊછળે, ફોટા છપાય, પછી એનો હાથ ઝાલવા કોઈ પુરુષ તૈયાર ન થાય. પેલો જુવાન તો રાજસ્થાનનો હતો, રાત માથે લઈને નાસી ગયો. લોન્ડ્રીમાં નોકરી કરતો હતો. એની વિરુદ્ધ ફરિયાદ કરીને શું વળવાનું હતું?’

‘સમજી ગયો,પણ તો પછી અત્યારે તમારી દીકરીને લઈને શા માટે મારી પાસે આવ્યા છો?’મા નીચું જોઈ ગઈ, ‘આ વખતે ટીના...! દસ દિવસ તારીખની ઉપર ચડી ગયા છે. સાહેબ, મારી તો છાતી ફફડે છે. તમે અમને ઉગારી લો!’ હું સમજી ગયો. મેં યુરીનરી પ્રેગ્નન્સી ટેસ્ટ કરવાની તૈયારી કરી. ટેસ્ટની પટ્ટી ઉપર ટીનાના યુરીનનાં ટીપાં ઉમેરીને મારે બે મિનિટ માટે ઈંતેઝાર કરવાનો હતો. હું મનોમન બબડતો રહ્યો, ‘હે ભગવાન, જે થવાનું હશે એ તો ગયા મહિને જ થઇ ગયું હશે. પણ આવડાં મોટા બ્રહ્નાંડમાં તારી પાસે ટીના નામની અંગૂઠા જેવડી છોકરી માટે વિચારવાનો બે મિનિટ જેટલો સમય હોય તો...’

બે મિનિટ પછી પટ્ટી ઉપર માત્ર એક જ રેખા જોઈ શકાતી હતી. ટીનાની મમ્મી સમાચાર સાંભળીને નમી પડી. નેગેટીવ ન્યૂઝ પણ તમને જશ અપાવી શકે છે. જશરેખાની આ બીજી વ્યાખ્યા હતી, જે પણ મને યાદ રહી ગઈ છે.‘

 
(શીર્ષક પંક્તિ: ઓજસ પાલનપુરી)

ડોક્ટરની ડાયરી, ડો. શરદ ઠાકર

4 comments:

  1. જશરેખા નામક વસ્તુ નું અસ્થીત્વ હોય ખરું..???

    કદાચ સમજી જવાય તો..!!! ખરું..!!!

    ReplyDelete
  2. Information that is unique. I'm glad I stumbled upon this site. It provides visitors with useful information. Thank you a lot!
    https://softhound.net/affinity-designer/

    ReplyDelete