નિહાલચંદ શાહ મને યાદ રહી ગયા છે. યાદ રહી જ જાય એવા માણસ હતા એ. તેઓ ધનાઢÛ હતા એ કહેવાની વાત ન હતી, જોવાની અને સમજવાની વાત હતી. એમની સાથેની પ્રથમ મુલાકાત મને યથાતથ યાદ છે.બપોરના બાર વાગ્યા હતા. મારા કન્સલ્ટિંગ રૂમનું બારણું ‘ધડામ્’ દઇને ખૂલ્યું અને તે અંદર ધસી આવ્યા. પાંત્રીસ-ચાલીસની આસપાસનું શરીર. ચળકતા કાળા રંગનું પેન્ટ. ઘેરા પીળા રંગના શર્ટમાં કાળા વટાણા જેવી ડિઝાઈન. આવા કપડાં સામાન્ય રીતે સામાન્ય માણસો ખાસ પ્રસંગ વિના ન પહેરે. આંજી દેવા માટે આટલું ઓછું હોય એમ જમણા હાથના કાંડા પર સોનાની જાડી લકી. જાડી એટલી બધી કે એને લકીને બદલે નાનું પૈડું કહેવું પડે.
બેય હાથની ચાર દુ આઠ આંગળીઓમાં સોનાની વીંટીઓ પહેરી હતી. અંગૂઠામાં વીંટી પહેરવાનો રિવાજ નથી, નહીંતર એ પણ ખાલી ન રાખ્યા હોત એની મને ખાતરી હતી. કાંડાની લકી જેવું જ પણ એનાથી મોટું, સોનાનું એક પૈડું ગળામાં ભરાવેલું હતું. એને મન એ ચેઇન ગણાતી હશે. ડાબા હાથના કાંડા પર ઢીલા પટ્ટાવાળી ઘડિયાળ. પટ્ટો ઢીલો જાણી-જોઇને રાખ્યો હશે, જેથી બટનબંધ બાંયમાંથી સરકીને એ બહાર દેખાઇ શકે. પટ્ટાનો પીળો રંગ કહી આપતો હતો કે એ સોનેરી નહીં, પણ સોનાનો બનેલો હતો.
આટલું જોયા પછી તમે કદાચ ન પણ અંજાઓ, હું અંજાઇ ગયો. એણે રોફભેર પૂછ્યું, ‘પેશન્ટ લઇને આવ્યો છું. બોલાવી લઉં કે પછી રાહ જોવી પડશે?’ ‘રાહ જોવી પડશે, પણ બહુ નહીં. આ હાથ ઉપર છે એ પેશન્ટને દવાઓ લખી આપું ત્યાં સુધી...’ ‘નહીં, નહીં! ત્યાં સુધી એ વેઇટ નહીં કરી શકે. ઇટ ઇઝ સો હોટ આઉટસાઇડ, યુ નો! અમે કારમાં જ બેઠા છીએ. એ.સી. વગર એને નહીં ચાલે.’ આટલું ફરમાવીને તેઓ ચાલ્યા ગયા. તેઓશ્રી એટલે નિહાલચંદ શાહ. આ નામ વિશે તો મને થોડી વાર પછી ખબર પડી, જ્યારે તેઓ એમની પત્નીને લઇને મારા કન્સલ્ટિંગ રૂમમાં પાછા આવ્યા. પત્નીનું નામ વીણા હતું.
વીણાગૌરીરી એવાં ભરભાદર હતાં કે એમની કાયામાંથી સામાન્ય માપની ત્રણ નારીઓ બનાવી શકાય. ‘લો, રાખો સાહેબ!’ હું કંઇ પણ બોલું તે પહેલાં જ નિહાલચંદે પાકીટમાંથી પાંચસો રૂપિયાની નોટ કાઢીને ટેબલ ઉપર મૂકી દીધી. ક્રિયાપદ ભલે ‘મૂકવાનું’ હતું, પણ અદા ‘ફેંકવાની’ હતી. ‘આ શેના માટે? મેં તો હજુ તમારાં પત્નીનો કેસ પણ કાઢ્યો નથી.’ હું સહેજ ચમકયો ને વધારે ભડકયો, ‘અને મારી કન્સલ્ટિંગ ફી આટલી બધી નથી.’ નિહાલચંદ હસ્યા, પછી બોલ્યા, ‘રાખોને, ડોક્ટર! તમારી ફી જેટલી હોય તે કાપી લો! વધેલી રકમ બીજા કોઇ ગરીબ પેશન્ટ માટે વાપરજો!’ ‘પણ...’
‘સોરી, સર! હું પાકીટમાં પાંચસોથી ઓછી રકમની કરન્સી નોટ રાખતો નથી. અને મારી એક આદત છે, હું છુટા પૈસા પાછા લેતો નથી.’ નિહાલચંદની વાત સાંભળીને મને હોટેલ કે રેસ્ટોરન્ટમાં વેઇટર માટે બોલાતો સંવાદ યાદ આવી ગયો: ‘કીપ ધી ચેન્જ.’ પણ મને એમની આ અદામાં ધ્úષ્ટતા કે ગુસ્તાખીને બદલે જરૂરતમંદ દર્દીઓ માટેની ઉદારતા નજરે ચડી એટલે મેં નોટ સ્વીકારી લીધી.
વીણાબહેનને રક્તસ્રાવની તકલીફ હતી. એમની તપાસ કરીને મેં નિદાન કર્યું, ‘ગર્ભાશયમાં મોટી ગાંઠ છે. આપણે સોનોગ્રાફી તો કરાવીશું જ, પણ સારવાર એક જ રહેશે અને અફર રહેશે. ગર્ભાશય કાઢવાનું ઓપરેશન કરવું પડશે.’
‘એના માટે તો અમે તમારી પાસે આવ્યા છીએ.’ કહીને નિહાલચંદે એક પ્લાસ્ટિક બેગમાંથી દળદાર ફાઇલ કાઢીને ટેબલ ઉપર મૂકી દીધી, ‘ચાર ગાયનેકોલોજિસ્ટ્સને મળી ચૂક્યા છીએ. બધા જ ઇન્વેસ્ટિગેશન કરાવી લીધાં છે. હવે તમે તારીખ આપો, એટલે અમે દાખલ થઇ જઇએ.’
મેં તારીખ આપી, એ લોકો ‘એડમિટ’ થયા. નિહાલચંદના વાણી-વર્તન એવા ને એવા જ રહ્યા. વાત-વાતમાં ખિસ્સામાં હાથ નાખે, પાકીટ બહાર કાઢે, પાચસોના ગુણાંકમાં કરન્સી નોટ્સની વહેંચણી કરતા રહે. એનેસ્થેટિસ્ટે તો દવાખાનામાં પગ મૂક્યો એની સાથે જ ચાર નોટો એના હાથમાં પકડાવી દીધી, ‘અત્યારે બે હજાર રાખો. બાકીનો હિસાબ ઓપરેશન પત્યા પછી સમજી લઇશું.’ પછી નિહાલચંદ મારી દિશામાં ફર્યા. ખિસ્સામાં હાથ નાખીને બોલ્યા, ‘તમને પણ પચીસ-પચીસ હજાર આપી રાખું? બાકીનો હિસાબ પાછળથી...’
મેં જોરપૂર્વક માથું હલાવ્યું, ‘ના, નિહાલચંદ, ના! તમારા જેવો માણસ માટી આટલા વરસની પ્રેક્ટિસમાં પહેલીવાર જોવા મળ્યો છે. બાકી તો જિંદગીમાં એવા જ માણસો ભટકાયા છે, જે છેલ્લા દિવસે છેલ્લો ટાંકો તોડ્યા પછી જ બિલની રકમ ચૂકવે. હવે થોડોક વિશ્વાસ મને પણ તમારામાં રાખવા દો!’
નિહાલચંદે મોટાઇભર્યું સ્મિત કરીને મારા પ્રત્યે ઉદારતા દર્શાવી. આગોતરા પૈસા આપ્યા વગર જ એમની પત્નીનું ઓપરેશન કરવા દેવાની મને છુટ આપી. એ ક્ષણે મને લાગ્યું કે રૂપિયાની બાબતમાં આવો માણસ એ પ્રથમ હતો.
આજે વિચારું છું કે રૂપિયાની બાબતમાં એવો માણસ એ ખરેખર પહેલો ને છેલ્લો હતો. એ ઓપરેશનનું બિલ આપણે આજ સુધી ચૂકવ્યું નથી! જે દિવસે વીણાને રજા આપવાની હતી, એ દિવસે નિહાલચંદ દેખાયા જ નહીં. મારી ઉપર એમનો ફોન આવી ગયો, ‘સરજી, હું ભોપાલમાં બેઠો છું. ત્રીસ કરોડના પ્રોજેક્ટ માટે આવ્યો છું. વીણાને આજે રજા આપવાની છે ને? આપી દેજો! બિલ હું બે દિવસ પછી...’
‘બે દિવસ પછી શા માટે, નિહાલચંદ? બે અઠવાડિયા પછી ભલે ને આવો! મને જરા પણ ચિંતા નથી.’ આવો જવાબ આપતી વખતે મારા મનમાં આઠ-આઠ વીંટીઓ, કાંડા પરની લકી અને ઘડિયાળ તથા ગળામાં લટકતું સોનાનું પૈડું રમતું હતું.
બેને બદલે ચાર અઠવાડિયા પસાર થઇ ગયાં. વીણાનું ફોલો-અપ અને ડ્રેસિંગનું કામ પણ પૂરું થઇ ગયું. હવે તો એ પણ દેખાતી બંધ થઇ ગઇ. મારી પાસે નિહાલચંદનો ફોન નંબર હતો. મેં લગાડ્યો. ઉઘરાણીની વાત તો આવા મોટા માણસ સાથે થાય જ કેમ? મેં ખાલી ઔપચારિક રીતે વાત કરી, ‘કેમ છો, નિહાલચંદ? ડોક્ટરને યાદ કરો છો કે ભૂલી જ ગયા?’
નિહાલચંદ નારાજ થઇ ગયા, ‘મને હતું કે તમે ફોન કર્યા વગર નહીં જ રહો! સાહેબ, હું અત્યારે જબલપુરમાં બેઠો છું. એક વેપારી પાસેથી સિત્તેર કરોડનું કામ લેવાનું છે. ત્રણ દિવસ પછી તમને તમારું બિલ મળી જશે. કહેતા હો તો એરપોર્ટ પરથી સીધો તમારા િકલનિક ઉપર આવી જાઉં!’
મારી એ કમજોરી કહેવાય કે ‘હા’ને બદલે મોઢામાંથી ‘ના’ નીકળી ગઇ. છ મહિના પછી મેં મારા માણસને નિહાલચંદના ઘરે ઉઘરાણી માટે મોકલ્યો. ખાસ સૂચના હતી, વાતાવરણ જોઇને વાત કરજે. સીધી ને સટ્ટ ઉઘરાણી ના કરીશ. મોટો માણસ છે. માઠું લાગી જશે.’
માઠું લાગી જ ગયું. મારા માણસને જોઇને જ નિહાલચંદ વીફરી બેઠા, ‘તમે લોકો મને સમજી શું બેઠા છો, હેં? હજુ તો છ જ મહિના થયા છે, એટલામાં બબ્બેવાર ઉઘરાણી?’ પછી તેમણે ધ્યાન દોર્યું, ‘પેલા ચાર કૂતરા દેખાય છે ને? ત્યાં સાંકળથી બાંધ્યા છે તે? બે આલ્સેશિયન છે અને બે ડોબરમેન! હવે પછી જો તું મારા બંગલામાં ડોકાયો, તો આ કૂતરાઓ બંધાયેલા નહીં રહે! આટલામાં સમજી જજે! નાઉ યુ ગેટ આઉટ!’ મારો માણસ તો જો કે એ પહેલાં જ બહાર નીકળી ગયો હતો.
મેં અંદાજ બાંધ્યો, આ ચાર કૂતરાઓનો નિભાવ ખર્ચ દર મહિને વીસથી પચીસ હજાર રૂપિયા જેવો થતો હશે. એની સરખામણીમાં મારું બિલ તો..? પણ આ એક સત્ય હકીકત છે કે એની પત્નીનું ગંભીર કહેવાય તેવું ઓપરેશન કોઇ પણ પ્રકારના કોમ્પ્લિકેશન વગર એમાના સંપૂર્ણ સંતોષ પ્રમાણે કરી આપવા છતાં આ કરોડપતિ માણસે આજ સુધી બિલની એક પાઇ પણ નથી ચૂકવી. એના ઘરમાં ફૂલદાની, અત્તરદાની, પાનદાની હશે, પણ ખાનદાનીની ખામી હશે.
***
જેના ખિસ્સામાં ધન ન હોય એવો માણસ. નામ રાખ્યું ધનજી. એ તો સારું થયું કે લોકોએ કરી નાખ્યું ધનિયો. એની પત્નીને ધનિયો મારી પાસે આવ્યો.‘સાહેબ, રૂપલીના પેટમાં ગાંઠ થઇ છે. સરકારી દવાખાનામાં ગ્યા’તા. દાગતરે ટી.વી.માં જોયું ને કીધું કે ઓપરેશન કરવું પડશે. સાહેબ, સાચું કહું? સરકારીમાં ઓપરેશન કરાવતાં બીક લાગે છે. તમે ગાંઠ કાઢી આલો ને! ગરીબ માણસ છું. થોડું તમે જતું કરો, થોડું હું ઉછીનું-ઉધાર કરું. મારી રૂપલીને બચાવી લો!’
એને ક્યાંથી ખબર હોય કે એ જેને ભગવાન સમજી રહ્યો છે એવું હું એક શેતાનના હાથે દાઝેલો માણસ માત્ર છું. મેં કઠોર બનીને કહ્યું, ‘ગાંઠ કાઢી આપીશ. અડધા ભાવમાં કાઢી આપીશ. પણ જે બિલ થશે તેની અડધી રકમ એડવાન્સ પેટે લઇશ. કબૂલ હોય તો હા પાડ, નહીંતર ચાલતી પકડ!’
પૂરું બિલ સાત હજાર થતું હતું. એ સાડા ત્રણ હજાર મારા હાથમાં મૂકી ગયો, પછી જ મેં રૂપલીને દાખલ કરી. બીજા દિવસે ઓપરેશન કર્યું. રૂપલીના પેટમાંથી નાળિયેરના કદની ગાંઠી કાઢીને દૂર કરી. સાત હજારનું બિલ પણ આવડી ગાંઠ માટે ઓછું કહેવાય. બે દિવસ પછી હું સહેજ નવરો હતો, મેં ધનિયાને બોલાવ્યો. પૂછ્યું, ‘બાકીના રૂપિયાનું શું કરીશ?’
‘બાપજી, હું પણ એ જ વિચારું છું. આ સાડા ત્રણ હજાર તો વ્યાજે લઇને આવ્યો છું.’ ‘વ્યાજ કેટલું ઠરાવ્યું છે?’‘ત્રીસ ટકા, માલિક!’ ધનિયો લાચારીનું અનૌરસ સંતાન બનીને બોલી ગયો, ‘પણ શું થાય, અમે ગરીબ રહ્યાં તેથી શું થયું? તમારા હક્કના પૈસા તો તમને ચૂકવવા જ પડેને?’ હું આઘાતથી સાંભળી રહ્યો ને વિચારી રહ્યો. પેલી વીણાગૌરીરીનું વેર હું આ રૂપલીની સાથે તો વસૂલ નથી કરતો ને? આ પૈસા સ્વીકારવાનો મને હક્ક ખરો? મેં ટેબલના ખાનામાંથી સાડા ત્રણ હજાર કાઢયા અને ધનિયાના હાથમાં મૂકી દીધા. એ ચાલ્યો ગયો તે પછી મેં મારા એક સખાવતી મિત્રનો ફોન જોડ્યો, ‘દિનેશભાઇ, એક ગરીબ દર્દીના ઓપરેશન માટે... માત્ર ખર્ચની જ રકમ પૂરતી વાત છે... જો તમારો વિચાર વધતો હોય તો...?’ તમને શું લાગે છે? દિનેશભાઇએ શું કહ્યું હશે? એ સજ્જન ધનવાન પણ છે અને ખાનદાન પણ.
No comments:
Post a Comment